News of Wednesday, 18th June 2025
વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપ બક્ષીપંચ મોરચાએ કમર કસી : પાટીદાર ઉમેદવારો સામે બક્ષીપંચના મતદારો બનશે 'નિર્ણાયક' - જે.કે. ચાવડાનો દાવો
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ મયંક નાયકે જવાબદારીઓ સોંપી : ડો. સનમ પટેલ, જે.કે. ચાવડા સહિતના દિગ્ગજોએ ૧૫ દિવસથી સઘન પ્રચાર શરૂ કર્યો : નાના સમાજો સાથે ખાટલા બેઠકો યોજાઈ

ધોરાજી : ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી રાજકીય રીતે અત્યંત મહત્વની બની રહી છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા પાટીદાર ઉમેદવાર કિરીટભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ આ બેઠક પર પાટીદાર સમાજના અન્ય બે ઉમેદવારો પણ હોવાથી બક્ષીપંચના મતદારોની ભૂમિકા અત્યંત નિર્ણાયક બનશે તેવો દાવો ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડાએ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં બક્ષીપંચ મોરચાના મહત્વના આગેવાનોને તારીખ ૨ જૂનથી વિવિધ જવાબદારીઓ સોંપી છે. આ આગેવાનોને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રોમાં બક્ષીપંચના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે મળીને પ્રચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ જવાબદારીઓમાં વિસાવદરની સીટ ઉપર ડોક્ટર સનમ પટેલ (પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી) અને પ્રદેશ ઉપપ્રમુખ જે.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ૨ જૂનથી સમગ્ર પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ ટીમમાં પ્રદેશ મંત્રી મયુરભાઈ માંજરીયા, સામાજિક સંકલન સેલના કન્વીનર હેમરાજભાઈ પાડલીયા, પૂર્વ મંત્રી દિલીપભાઈ બારડ, જુનાગઢ જીલ્લાના પ્રભારી કિશોરભાઈ રાઠોડ, સુરેન્દ્રનગરના પ્રભારી ચમનભાઈ સિંધવ, જુનાગઢ મહાનગરના પ્રભારી બાલાભાઈ શામળા, પોરબંદરના પ્રભારી જયવીર પઢિયાર, બોટાદના પ્રભારી મહેશભાઈ ચાવડા, હળવદના ઘનશ્યામભાઈ ગોહિલ, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ વિક્રમસિંહ સિસોદિયા, અમરેલીના પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, ગીર સોમનાથના પ્રમુખ પ્રોફેસર જીવાભાઇ વાળા, અને જૂનાગઢ મહાનગરના પ્રમુખ વિજયસિંહ ઝાલા સહિતની ટીમો જોડાઈ છે.
બક્ષીપંચ મોરચાના આ તમામ આગેવાનોએ છેલ્લા ૧૫ દિવસથી ટીમ વર્ક બનાવીને વિસાવદર વિધાનસભામાં આવતા તમામ મંડળોના હોદ્દેદારો સાથે મળીને સઘન પ્રચાર અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં નાના નાના સમાજો સાથે ખાટલા બેઠકો યોજવામાં આવી હતી અને ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમયે પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડાએ જણાવ્યું હતું કે, વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદારોના ત્રણ ઉમેદવારો હોવાથી મતોનું વિભાજન થશે, ત્યારે બક્ષીપંચના મહત્વના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ઇતર સમાજના મતદારોના માધ્યમથી વિજય પ્રાપ્ત કરશે. ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કરવામાં આવી રહેલો આ સઘન પ્રચાર અને મતદારો સાથેનો સીધો સંપર્ક, ચૂંટણી પરિણામોમાં કેટલો ફેરફાર લાવે છે તે જોવું રહ્યું.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
