<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

રાજ્યના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા : ગત શુક્રવારે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખભાઈ અઢિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા! સાંજે અપાઈ રજા

ગાંધીનગરના સત્તાધીશોમાં ચિંતાનો માહોલ : પૂર્વ નાણાં સચિવ શ્રી અઢિયાને બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થતા યુ.એન. મહેતા હોસ્પિટલ ખસેડાયા : તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ ઘરે આરામ કરવાની સલાહ સાથે ડિસ્ચાર્જ અપાયો

રાજકોટ: શુક્રવારે બપોરે ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રના ઉચ્ચ વર્તુળોમાં એકાએક ખળભળાટ મચી ગયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર, તેમજ ભારતના પૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયા ભાઈની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરમાં અચાનક થયેલા વધારાને કારણે તેમને અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (યુ.એન. મહેતા હોસ્પિટલ) ખાતે દાખલ કરવા પડ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બપોરે લગભગ ૨.૧૫ કલાકે ઝહરી અઢિયાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબોની ટીમે તેમની તબિયતની સંપૂર્ણ અને ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. જરૂરી તબીબી તપાસ અને નિરીક્ષણ બાદ તેમની તબિયત સ્થિર થતાં સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને ડોકટરો દ્વારા તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

હસમુખભાઈ અઢિયા હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નીતિગત સલાહકાર તરીકે કાર્યરત છે. રાજ્ય સરકારના મોટાભાગના અગત્યના નીતિવિષયક નિર્ણયો ઘડવામાં તેમનું ઊંડું જ્ઞાન, તીક્ષ્ણ બુદ્ધિ અને દિલ્હી સ્તરનું વિશાળ નેટવર્ક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા એક અગ્રણી અને સક્રિય અધિકારીના સ્વાસ્થ્ય પર આવેલું આ હળવું સંકટ પણ સત્તા સર્કિટ અને ઉચ્ચ અધિકારીઓ માટે ચિંતાનું કારણ બન્યું હતું. જોકે, હવે તેમની તબિયત સ્થિર હોવાથી બધાએ રાહતનો શ્વાસ લીધો છે.

 

(2:22 PM IST)