News of Sunday, 22nd June 2025
ગ્રામ પંચાયત ચૂંટણીઃ દાહોદ જિલ્લામાં 102 વર્ષીય વડીલોએ મતદાન કર્યું
૧૦ર વર્ષના રમણભાઇ મોઢીયા અને ૧૦૦ વર્ષના હેતીબેન ગારીનું ફુલહાર કરી સન્માનીત કરાયાઃ સમાજને આપ્યો સંદેશ

દાહોદ: જિલ્લામાં આજે 281 ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને 84 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારો ઉમટ્યા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી બેલેટ પેપરના માધ્યમથી ચાલુ રહેશે.
દાહોદના લીમડી ગામે મતદાન કેન્દ્ર પર 102 વર્ષના રમણભાઈ મોઢીયા અને 100 વર્ષના હેતીબેન ગારી મતદાન કરવા પહોંચતા અનોખો દ્રશ્ય જોવા મળ્યા હતા. આ વૃદ્ધ મતદારોએ મતદાન કરીને સમાજને એક મહત્વનો સંદેશ આપ્યો કે ઉંમર કોઈ પણ સમયે લોકશાહીની ફરજમાં અવરોધ બની શકે નહીં. મતદાન મથક પર 102 વર્ષના રમણભાઈને ફૂલહાર પહેરાવી સન્માનિત પણ કરાયા હતા. આ ઉદાહરણ યુવાન મતદારોને પણ મતદાન માટે પ્રેરણા આપે તેવી શકયતા છે.
આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 840 ઉમેદવારો અને સભ્ય પદ માટે 4,336 ઉમેદવારો મેદાને છે. તેમનો ભવિષ્યક નિર્ણય કરવા માટે દાહોદ જિલ્લાના 6 લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય. સવારે વાતાવરણ શુષ્ક રહેતાં લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને ગામડાંના મતદારોમાં મતદાન માટે અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે. લાંબી કતારો અને પરિવાર સાથે મત આપવા આવેલા લોકો મતદાન પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
