<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમદાવાદના વાતાવરણમાં પલટો :વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો

પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ: સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો : પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો  આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે  સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ સાંજે વરસાદ શરૂ થયો છે, અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ છે.  અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે  100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  29 જળાશયો  70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે . ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના  207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલુ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15 ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના  13જળાશયોમાં 42.03  ટકા, ઉતર ગુજરાતના  15જળાશયોમાં 33.10 ટકા તેમજ  કચ્છના  20 જળાશયોમાં 28.72 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના  25 જળાશયો 50 થી  70 ટકા વચ્ચે,  61જળાશયો  25થી 50  ટકા વચ્ચે જયારે  82 જળાશયો 25  ટકાથી ઓછા ભરાયા છે.

(8:23 PM IST)