News of Monday, 23rd June 2025
વિદેશમાં કમાવાની લાલચે ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂક્યા: પોરબંદરના 19 યુવક યુવતીઓ થાઇલેન્ડ ફસાઈ ગયા
તમામ યુવક-યુવતીઓ પાસે રીટર્ન ટિકિટના પણ પૈસા ન હોય આખરે તુષારભાઈએ ખેડાના લવાલ ખાતે સેવાભાવી સંસ્થા ચલાવતા મહિપતસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો અને તમામને સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા થઇ

અમદાવાદ :વિદેશમાં જઈ રૂપિયા કમાવાની લાલચે ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂક્યા છે.પોરબંદરના 19 યુવક યુવતીઓ સારા પગાર ની લાલચે થાઇલેન્ડ પહોંચી ગયા હતા. વ્યક્તિદીઠ રૂ.3.50 લાખ જેવી માતબર રકમ વસૂલી એજન્ટે આ યુવક યુવતીઓને થાઈલેન્ડ મોકલ્યા તો ખરા પરંતુ જ્યારે આ લોકો થાઇલેન્ડ પહોંચ્યા ત્યારે ન મળી નોકરી કે ના મળ્યો પગાર. રહેવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોય છેલ્લા દસ દિવસથી આ 19 લોકોને રસ્તા પર રખડવાનો વારો આવ્યો હતો.
તમામ લોકોને ટુરિસ્ટ વિઝા પર મોકલ્યા હોય વિઝા પણ પૂરા થવા આવ્યા હતા. કોઈ જ રસ્તો દેખાતો ન હતો તેવા સમયે થાઈલેન્ડમાં રહેતા ગુજરાતી વ્યક્તિ તુષાર પટેલ મદદે આવ્યા. તુષાર પટેલ એ આ તમામ લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી. જ્યારે આ લોકોના પાસપોર્ટ જોયા ત્યારે ખબર પડી કે 24 તારીખે તમામના વિઝા પૂરા થાય છે. જેથી તમામને તાત્કાલિક ગુજરાત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.
તમામ યુવક-યુવતીઓ પાસે રીટર્ન ટિકિટના પણ પૈસા ન હોય આખરે તુષારભાઈએ ખેડાના લવાલ ખાતે સેવાભાવી સંસ્થા ચલાવતા મહિપતસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો. મહિપતસિંહ એ તમામ વિગતો જાણીને પોતાના સોશિયલ મીડિયા ફોલોવરને મદદ માટે ગુહાર લગાવી અને ગણતરીના સમયમાં 19 વ્યક્તિઓની થાઈલેન્ડ થી પરત ટિકિટના વ્યવસ્થા થઈ ગઈ. જેના પરિણામ સ્વરૂપ આ તમામ લોકો અત્યારે ગુજરાત આવી ગયા છે. આ તમામને ખેડા થી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પોરબંદર રવાના કરવામાં આવ્યા છે. એક રીતે કહીએ તો મોતના મુખમાંથી પરત આવેલા આ તમામ લોકો આજે તુષારભાઈ પટેલ અને મહિપતસિંહ ચૌહાણ નો દિલથી આભાર માની રહ્યા છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
