<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ફાટેલા પર થીંગડા મારવાનું કામ કરતા વીજ કંપનીના અધિકારીઓ: રાજપીપળા વીજ કંપની દ્વારા પ્રિ.મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ : રોજ લાઈટો જવાની ફરિયાદ

પ્રિ.મોન્સુન કામગીરીમાં ફક્ત અમુક ઝાડની ડાળખી કપાઈ છે અને એ માટે બોલાવાતા મજૂરો ઓન પેપર કરતા અડધા લાવી બાકીના મજુરોના નામે રૂપિયા ચાઉ થતા હોવાની ચર્ચા

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા DGVCL દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રિ. મોન્સુન કામગીરીમાં જાણે વેઠ ઉતારાતી હોવાની બૂમ ઉઠે છે, દર વર્ષે આ કામગીરી કરવા છતાં મામુલી વરસાદમાં પણ વીજળીની આવન જાવન જોવા મળે છે. ત્યારે ચર્ચાતી વાત મુજબ પ્રિ.મોન્સુન કામગીરીમાં ફક્ત અમુક ઝાડની ડાળખી કપાઈ છે અને એ માટે બોલાવાતા ખાસ ઝાડ કટીંગ કરતા કામદારો જે બોલાવવામાં આવે છે તે ઓન પેપર કરતા અડધા બોલાવી અમુક જ કામગીરી કરી બાકીના મજુરોના નામે રૂપિયા ચાઉ થઈ રહ્યા છે.જેના કારણે શહેરમાં તમામ જગ્યાઓ પર પુરતી અને યોગ્ય કામગીરી નહીં થતા લાઈટો ની રામાયણ જોવા મળે છે. ખાસ તો રાજપીપળા માં રહેતા ઉચ્ચ અધિકારીઓના બંગલા કે ઘર અથવા સરકારી કચેરીઓ પાસે વાયરોને નડતા વૃક્ષો ના ડાળખાં કાપી સંતોષ માનતા વીજ અધિકારીઓને તગડા બિલો ભરતી આમ જનતાની કઈ પડી નથી.

કેટલીક જગ્યાઓ પર વીજ ટ્રાન્સફોર્મર માં સ્પાર્ક થાય કે આગ લાગવાની ઘટનામાં પણ કલાકો સુધી વીજ કંપની ના કામદારો આવતા નથી ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ જોવા મળે છે. માત્ર ફાટેલા પર થીંગડા મારવાનું કામ કરતા વીજ કંપનીના અધિકારીઓ શહેર માં વસવાટ કરતા અને મોટા મોટા બિલો ભરતા લોકોની સમસ્યા ઉપર ખાસ ધ્યાન આપી તેમને પડતી તકલીફ નો વહેલીતકે ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે


 

(9:51 PM IST)