<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

છેલ્લા 24 કલાકમાં રાજયના 170 તાલુકામાં વરસાદ : સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ ખાબક્યો

કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ : નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ અને તાપીના ડોલવાણમાં 5.3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે,ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર હાજરી પૂરાવી છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો, જ્યાં 13.6 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર જળમગ્ન બન્યું છે.

 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ અનુસાર, સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ અને તાપીના ડોલવાણમાં 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો, આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડમાં 5.0 ઇંચ, ચોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળ અને આણંદના ખંભાતમાં 3.1 ઇંચ તેમજ ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 57 તાલુકાઓમાં 1થી 3 ઇંચ અને 95 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

(12:04 PM IST)