<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય : રાજ્યની હોસ્પિટલોમાં સેવા આપતા ખાનગી વિઝીટિંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં વધારો : સરકારી અને G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટિંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ કરાયો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય : CM સેતુ યોજના હેઠળ તજજ્ઞ ડોકટરોને મળશે વધુ માનદ વેતન : દર્દીઓને મળશે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓનો લાભ : મંત્રી ઋષિકેશભાઈ પટેલે આપી વિગતો

રાજકોટ, તા. 24 : ગુજરાત સરકારે રાજ્યની જાહેર આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે વધુ એક જનહિતલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં CM સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટિંગ તજજ્ઞ (Specialist) ડોકટરોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરકારી અને G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા વિઝીટિંગ સર્જિકલ અને નોન-સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ વધારો કરાયો છે.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટિંગ તજજ્ઞ ડોકટરોને CM સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન ૪,૨૦૦ રૂપિયા માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ, પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન ૩ હજાર રૂપિયા અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોકટર્સને પ્રતિ દિન ૨ હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવતું હતું. આ વધારાથી નિષ્ણાત ડોકટરોને સરકારી આરોગ્ય સુવિધાઓમાં સેવા આપવા માટે વધુ પ્રોત્સાહન મળશે, જેના પરિણામે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે.
વધુમાં, ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટિંગ નોન-સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને ૩ કલાકની ફરજિયાત સેવા બાદ રોજના ૮,૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને ૨,૭૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. આ વેતનમાં સુધારો કરીને હવે સર્જિકલ અને નોન-સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ બંનેને રોજના લઘુત્તમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન ૮,૫૦૦ રૂપિયા મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સરકારી અને G.M.E.R.S. મેડિકલ કોલેજોમાં સેવા આપવા માટે આકર્ષિત કરી શકાશે, જેના પરિણામે રાજ્યના નાગરિકોને અત્યાધુનિક અને વિશિષ્ટ સારવારનો લાભ ઘરઆંગણે મળી રહેશે. આ નિર્ણયને આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે, જે રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે.

 

(4:38 PM IST)