News of Tuesday, 24th June 2025
દાહોદ જિલ્લા 7 ઈંચ વરસાદ ખાબક્યો : મીરાખેડી ગામના ઘરોમાં પાણી ઘુસ્યા : ખેતરો બેટમાં ફેરવાયા : ભારે હાલાકી
દિલ્હી-મુંબઈ કોરીડોર હાઇવેના કામ દરમ્યાન વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધા ગામડાં અને ખેતરોમાં ઘૂસી જતા ભયજનક સ્થિતિ ઊભી થઈ

દાહોદ જિલ્લા આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે મીરાખેડી ગામમાં ફરી એકવાર તબાહી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે ખેડૂતોના ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને દિલ્હી-મુંબઈ કોરીડોર હાઇવેના કામ દરમ્યાન વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધા ગામડાં અને ખેતરોમાં ઘૂસી જતા ભયજનક સ્થિતિ ઊભી થઈ છે.
દર વર્ષે વરસાદી મોસમમાં અનેક ગામડાઓમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ ભારે વરસાદ પછી દાહોદના મીરાખેડી ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા હતા, જેને કારણે પાક બરબાદ થવાની ભીતિ ખેતી પર આધારિત પરિવારોમાં છવાઈ છે. દિલ્હી-મુંબઈ કોરીડોરનો વિકાસ ખેડૂતો માટે દુઃખદાઇ બની રહ્યો છે. હાઇવેના આજુબાજુ નાળાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણીનો પ્રવાહ સીધો ગામ અને ખેતરો તરફ વળે છે. રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે.
ગ્રામજનોના ઘરોમાં ભરાયેલા પાણી વચ્ચે જીવન જરૂરી સામાન બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. સ્થાનિકો અને ખેડૂતો તંત્ર સામે આ મુદ્દે રજૂઆત કરે છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. હવે ફરી એકવાર મીરાખેડી ગામની સ્થિતિ ચિંતાજનક છે અને જો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય તો ખેડૂતોને જીવિકાનો મોટો ફટકો સહન કરવો પડી શકે છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
