<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગાંધીધામમાં ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શિક્ષણને સંપત્તિથી ઉપર મૂકી, કચ્છને આધુનિક યુગના શિક્ષણનું કેન્દ્ર બનાવવા હાકલ કરી

વડાપ્રધાનના વિઝનથી ભૂકંપગ્રસ્ત કચ્છનો કાયાપલટ થયો, હવે ગ્રીન ઊર્જાનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જ : શિક્ષણ સાથે સંસ્કાર અને વ્યસનમુક્તિ પર ભાર, પ્રાકૃતિક ખેતીના અભિયાનને રાજ્યપાલે બિરદાવ્યું

ગાંધીધામ, 25 જૂન 2025 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ધન-સંપત્તિ કરતાં શિક્ષણને સવિશેષ પ્રાધાન્ય આપીને બાળકોને આધુનિક યુગ મુજબનું શિક્ષણ આપવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, દેશ અને સમાજની સાચી પ્રગતિ શિક્ષણથી જ શક્ય છે.
ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રતજીએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની ભરપૂર પ્રશંસા કરી. તેમણે સ્મરણ કરાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કચ્છના ભયાનક ભૂકંપની આપદા બાદ વિકાસની અદભુત સંભાવનાઓને પારખી હતી. વર્તમાન સમયમાં વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલવાનો શ્રેય રાજ્યપાલ દેવવ્રતજીએ વડાપ્રધાન મોદીને આપ્યો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના નિર્માણથી કચ્છ ભવિષ્યમાં દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશે.
ડ્યૂન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીનું કચ્છી પાઘડી અને કચ્છી ભરતકામથી સુશોભિત કોટી પહેરાવીને કચ્છી સંસ્કૃતિ મુજબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે યુવાઓને શિક્ષણ હાંસલ કરવા, વૈચારિક રીતે બૌદ્ધિક બનવા અને દેશના વિકાસમાં સહભાગી બનવા ઉપર ભાર મૂક્યો હતો.
ડ્યૂન્સ કોલેજના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન બાદ આનંદની લાગણી વ્યક્ત કરતાં રાજ્યપાલ દેવવ્રતજીએ કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં વિકાસની સાથે કચ્છ જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રમાં પણ હરિફાઈ કરવી પડશે. તેમણે આશા વ્યક્ત કરી કે, ડ્યૂન્સ કોલેજમાં બી.બી.એ, બી.સી.એ અને એમ.બી.એ. જેવા કોર્સમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ રોજગારી પ્રાપ્ત કરવા માટે કુશળ બનશે. તેમણે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત આ કોલેજ કચ્છમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા સાથે આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યપાલ દેવવ્રતજીએ કુરુક્ષેત્રના પોતાના શિક્ષણકાળના અનુભવોને વાગોળતાં જણાવ્યું હતું કે, દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવાનું શક્તિશાળી હથિયાર શિક્ષણ બન્યું છે. માનવ જીવનમાં વિકાસનો આધાર શિક્ષણ છે. શિક્ષણની મદદથી જ કોઈપણ સમાજ અને દેશ પ્રગતિ કરે છે. તેમણે વાલીઓને બાળકોમાં શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવા તેમજ વ્યસનમુક્તિ બાબતે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ દેવવ્રતજીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રગતિ વિશે પણ આનંદ સાથે વાત કરી. તેમણે ઉમેર્યું કે, આજે ગુજરાતમાં 9 લાખથી વધારે ખેડૂતો ઝેરી રસાયણોથી મુક્ત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે અને આર્થિક ખોટ આવે છે તે વાતને તેમણે ભ્રામક ગણાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. પર્યાવરણની રક્ષા થાય, લોકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થાય, ઝેરી રસાયણોથી થતાં રોગોમાંથી મુક્તિ મળે તે ઉમદા આશયથી પ્રાકૃતિક કૃષિ કરવા તેમણે ખેડૂતોને પ્રેરણા આપી.
કાર્યક્રમ દરમિયાન જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડ્યૂન્સ કોલેજના પ્રોજેક્ટ હેડ જ્યોતિબા જાડેજાએ સ્વાગત પ્રવચન કરીને કોલેજના મિશન અને વિઝનથી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ કોલેજના પ્રારંભથી વિદ્યાર્થીઓ ગાંધીધામના આંગણે ટેક્નોલોજી, કલા અને વિજ્ઞાનનું શિક્ષણ મેળવી શકશે અને પારંગત બનીને નવાચાર-સ્ટાર્ટ અપમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ડ્યૂન્સ કોલેજના નવીન પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ડ્યૂન્સ કોલેજના માધ્યમથી કચ્છને શિક્ષણક્ષેત્રે એક નવી ભેટ મળી છે. તેમણે જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શિક્ષણક્ષેત્રમાં નવી જ્યોત પ્રજ્વલિત કરવા માટે જાડેજા પરિવારને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેઓએ રાજ્યપાલના લોક કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવ્યા હતા.
ગોલ્ડી સોલારના ફાઉન્ડર અને એમડી ઈશ્વર ધોળકીયાએ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ડ્યૂન્સ કોલેજ એ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં એક અનેરૂં શિક્ષણ મંદિર બનીને ઊભરી આવશે. અહીંથી શિક્ષણ મેળવીને દેશના વિકાસ માટે યુવા પેઢી સક્ષમ બનશે એવો વિશ્વાસ ઈશ્વર ધોળકીયાએ વ્યક્ત કર્યો હતો.
ડ્યૂન્સ કોલેજના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશનના એમડી મનદીપસિંહ જાડેજા, ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી, જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશનલ પરિવારના પ્રતિનિધિઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:30 PM IST)