<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

વડોદરામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે તંત્રની ઘોર બેદરકારી : મતગણતરીના કેન્દ્રમા રખડતા ઢોર ઘૂસી ગયા જતા લોકોમાં અફડાતફડી

કઈ ક્ષણે રખડતા અકળાયેલા ઢોર કોને નુકસાન પહોંચાડે એનું ભાન જ ન રહ્યું, ઉમેદવારોના સમર્થકોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો

વડોદરા તા.૨૫ :વડોદરામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. મતગણતરીના કેન્દ્ર ખાતે અચાનક રખડતા ઢોર ઘૂસી ગયા હતા. અને કેન્દ્રની આસપાસ ઘમાસાણ મચાવી મુક્તા એવી સ્થિતિ સર્જાઈ કે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

મતગણતરી કેન્દ્ર પર ઢોરનો આતંક

મતગણતરી માટે તંત્ર દ્વારા સજ્જ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરંતુ વડોદરાના દશરથ ખાતે આવેલ મતગણતરી કેન્દ્ર બહાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. અને રખડતા ઢોરોએ મતગણતરી કેન્દ્રને જ બાનમાં લઇ લેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. કઈ ક્ષણે રખડતા અકળાયેલા ઢોર કોને નુકસાન પહોંચાડે એનું ભાન જ ન રહ્યું. ઉમેદવારોના સમર્થકોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.

લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

અકળાયેલા ઢોરને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓએ ભારે મહેનત કરવી પડી હતી. પોલીસ ફોટોગ્રાફરો અને મીડિયાકર્મીઓ પણ ઢોરના આતંકથી બચવા દોડતા જોવા મળ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે આ પ્રકારના સંવેદનશીલ સ્થળોએ કડક બંદોબસ્ત રાખવામાં આવે છે, પરંતુ અહીં તંત્રની બેદરકારીના કારણે હજારો લોકોની સલામતી જોખમાઈ હતી.

(4:50 PM IST)