<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

સુરતના કામરેજના હલધરું ગામ બેટમાં ફેરવાયું આશ્રમશાળામાં રહેતા 55 જેટલા બાળકો પાણીમાં ફસાયા : ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરાયું

બારડોલી , પલસાણા, કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ:કામરેજનું હલધરું ગામમાં પાણી ફરી વળ્યા:ચારેકોર પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું

સુરતમાં આવેલા કામરેજ તાલુકાના હલધરું ગામ બેટમાં ફેરવાયું હતું. હલધરું  ગામે આશ્રમશાળામાં રહેતા 55 જેટલા બાળકોનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરાયું હતું. મહત્વની બાબત એ છે કે આવા આફતના સમયે ગામમાં હિન્દૂ મુસ્લિમ એકતા જોવા મળી અને હિન્દૂ અને મુસ્લિમ સમાજના ટ્રસ્ટ દ્વારા ભેગા મળી કામગીરી કરવામાં આવી હતી.

ગત રોજ બારડોલી , પલસાણા, કામરેજ  તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જે પૈકી કામરેજનું હલધરું ગામમાં પણ પાણી ફરી વળ્યા હતાં. અને ચારેકોર પાણી ભરાતા ગામ  બેટમાં ફેરવાયું હતું. જેથી રહીશોને તો મુશ્કેલી પડી પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી. હલધરું ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળા પણ આવેલી છે. જેમાં 55 જેટલા વિદ્યાર્થીઓ હતા. અચાનક પાણી ગામમાં ભરાઈ જતાં આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયાં હતાં.

આશ્રમશાળામાં  મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલધરું , વલણ અને પરબના ગ્રામજનોને જાણ થઈ હતી. આ ગામમાં હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજ પણ રહે છે. જોકે આફતના સમયે સૌ ભેગા થઈ ગયાં હતાં. અને હલધરું ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી રેસ્ક્યુ કામગીરી જાતે જ ઉપાડી લીધી હતી. અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફત રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. આખું હલધરું ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું હતું. ત્યારે બાળકોનું રેસ્ક્યુ કરી તમામને ગામની અન્ય શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે ધોધમાર વરસાદ અને પાણી ભરાવા જેવી ઘટનામાં તમામ સમાજના આગેવાનો યુવાનો ભેગા થઈ ગયાં હતાં.

(9:01 PM IST)