તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Thursday, 26th June 2025
બોટાદના ઉમેશ મકવાણાનું ‘આપ'ના હોદાઓ પરથી રાજીનામું : ધારાસભ્ય પદે યથાવત
હું વિધાનસભાના દંડક તરીકે હોવા છતાં સમાજના પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકતા આ નિર્ણય લીધો : ધારાસભ્ય તરીકેનો નિર્ણય બોટાદની જનતા લેશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા., ર૬: બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના હોદા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. જો કે તેઓ ધારાસભ્ય તરીકે કાર્યરત રહેશે.
આજે બપોરે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં દંડકની જવાબદારી નિભાવતો હતો તેમાંથી તથા આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી પદેથી મેં આજે રાજીનામુ આપી દીધું છે. જેની જાણ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ હોદેદારો તથા દિલ્હી સ્થિત હોદેદારોને કરી દેવામાં આવી છે. તેમને વોટસએપના માધ્યમથી તથા લેખીતમાં પણ રાજીનામુ પહોંચાડી દીધું છે.
ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભામાં હું દંડક તરીકે હોવા છતા સમાજને ન્યાય અપાવી શકયો ન હતો. તેમજ દર વખતે ચુંટણી સમયે પછાત સમાજને આગળ લાવવામાં આવે છે. ચુંટણી બાદ પછાત સમાજને હાંસીયામાં ધકેલી દેવામાં આવે છે.
બોટાદના ધારાસભ્ય તરીકે મારે કાર્યરત રહેવું કે નહિ તે બોટાદની જનતા નક્કી કરશે. હાલમાં તો મેં આમ આદમી પાર્ટીના હોદા ઉપરથી રાજીનામુ આપ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે હું સેવા આપતો રહીશ.
ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી તરફથી મને કોઇ સુચના આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો જંગી વિજય થયા બાદ હવે વિધાનસભામાં દંડક તરીકે ગોપાલ ઇટાલીયાની વરણી થાય તેવી શકયતા છે. તેથી ઉમેશ મકવાણાએ પાર્ટીની સુચના મળે તે પહેલા જ રાજીનામુ આપી દીધું હોવાનું ચર્ચાઇ રહયું છે.
આ અંગે ગઈકાલ સાંજથી ઉમેશ મકવાણાના (મો.નંબર ૯૮૯૮૯ ૮૯૬૯૩)ઉપર અનેક વખત સંપર્ક કરવા છતાં મોબાઈલ ઉપાડ્યો નહોતો.
ઉમેશ મકવાણા ડિસેમ્બર ૨૦૨૨ થી બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે ગત લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક ઉપરથી ભાજપના નિમુબેન બાંભણિયા સામે તેમને મેદાનમાં ઉતાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીથી નારાજ હોવાનું અને રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાશે તે વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.(૪.૧૭)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
