<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

બનાસકાંઠામાં ભારે વરસાદ : અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે બધડાટી બોલાવી : વરસાદના બીજા રાઉન્‍ડથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ

અંબાજી  તા.૨૭: બનાસકાંઠામાં ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબકયો છે. વહેલી સવારે બનાસકાંઠા ફરી એકવાર વરસાદે માઝા મુકી છે. વરસાદના બીજા રાઉન્‍ડથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ છે. અંબાજી માં પણ ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અંબાજીમાં સ્‍થાનિકો ઉપરાંત ભક્‍તોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે. અનેક વાહનો વરસાદી પાણીમાં ખોટકાઈ ગયા છે. અંબાજી મંદિરથી સાઈબાબા મંદિર તરફનો આખો રસ્‍તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

બનાસકાંઠામાં વરસાદના બીજા રાઉન્‍ડથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અંબાજી (Ambaji) પંથકમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અંબાજી મંદિરના પરિસરમાં પણ વરસાદી પાણીએ અડિંગો જમાવ્‍યો છે. સમગ્ર ચાચર ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલીક ધર્મશાળાઓના ગેટમાં પાણી ઘુસી જતાં યાત્રિકો મુશ્‍કેલીમાં મુકાયા છે. અંબાજીના બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા છે. અંબાજી પોલીસ સ્‍ટેશન પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયાના દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે. મુખ્‍ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો પાણીમાં અટવાઈ પડ્‍યા છે. સ્‍થાનિકો અનુસાર તંત્રની બેદરકારીથી દરવર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્‍યા સર્જાય છે. અંબાજીના રહેવાસીઓ દ્વારા આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવા માગ પણ કરાઈ છે.

ભારે વરસાદ બાદ ગુજરાતના વિવિધ ડેમ પાણીથી છલકાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૫૦ ટકા ભરાઈ ગયો છે. ગુજરાતના ૧૨ ડેમ ૧૦૦ ટકા પાણીથી છલકાયા છે. રાજ્‍યના ૩૨ ડેમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. ગુજરાતના ૨૭ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાયા છે. રાજ્‍યના ૫૯ ડેમ ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. ગુજરાતના ૧૬ ડેમમાં પાણીની વધુ પડતી આવક થતાં આસપાસના વિસ્‍તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.(૩૮.૧૮)

(10:23 AM IST)