News of Friday, 27th June 2025
રાજ્યભરમાં મેઘમહેર : માળીયા હાટીના અને વડાલીમાં ૬ ઇંચથી વધુ, તાલાલા સહિત પાંચ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ : રાજકોટ શહેરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ : સવારે 6 સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
રાજ્યના ૨૧૫ તાલુકાઓમાં વરસાદની પધરામણી : ચોમાસાનો સરેરાશ ૨૯.૧૩% વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો : ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટ, શુક્રવાર, ૨૭ જૂન, ૨૦૨૫ : રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ચોમાસાની મોસમ સંપૂર્ણપણે જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન, એટલે કે આજે સવારે ૬.૦૦ વાગ્યે પૂરા થતા સમયગાળામાં, રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૬ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ઉપરાંત, ગીર સોમનાથના તાલાલા, સુરતના મહુવા, તેમજ જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઇડર, ખેડબ્રહ્મા અને વડગામ જેવા તાલુકાઓમાં પણ ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જે ખેતી માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે.
રાજકોટ શહેરમાં પણ મેઘમહેર:
રાજકોટ શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. લોધિકા સહિત આસપાસના ૨૧ તાલુકાઓમાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આ વરસાદથી ગરમી અને બફારામાંથી મુક્તિ મળી છે અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ સહિત કુલ નવ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર એમ કુલ ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યના ૪૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોંધાયો છે, જે દર્શાવે છે કે રાજ્યભરમાં ચોમાસું સારી રીતે જામી ગયું છે. ઝોન પ્રમાણે જોઈએ તો, સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે અને સારા પાકની આશા બંધાઈ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
