<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદના જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન:મુસ્લિમ સમુદાયની સમિતિઓએ મંદિરને રથની પ્રતિકૃતિઓ ભેટ આપી

રથયાત્રા પહેલા જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી રેલી યોજાઇ: રેલી દ્વારા સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપવામાં આવ્યો

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને શહેરના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન થયા હતા. શહેરની જુદી જુદી શાંતિ સમિતિના સભ્યો અને અલગ અલગ પાર્ટીના આગેવાનોએ ચાંદીના રથ અને મંદિરની કલાકૃતિને જગન્નાથ મંદિરના મહંતને ભેટ સ્વરૂપે આપી હતી. જેને લઈને જગન્નાથ મંદિરના મહંત પણ ખુશ થયા હતા. રથયાત્રા પહેલા કોમી એકતા રેલી યોજવામાં આવી હતી. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી આ રેલી યોજાઇ હતી. આ રેલી દ્વારા સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો.  

    AIMIA પાર્ટીના ગુજરાતના પ્રમુખ તરફથી પણ ચાંદીનો રથ ભેટ સ્વરુપે આપવામાં આવ્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, આ મારા માટે બહુ જ ખુશીનો દિવસ છે. આ વર્ષે 148મી રથયાત્રા નીકળી રહી છે. શહેરના જમાલપુર અમારા વિસ્તારમાંથી આ રથયાત્રા નીકળે છે. તેનું અમે ઉમળકા ભેર સ્વાગત કરીએ છીએ. આ રથયાત્રા હર્ષ ઉલ્લાસથી સંપન્ન થાય એટલે માટે થઇને પાર્ટી દ્વારા જગન્નાથ મંદિરના મહંત દ્વારા નિસ્વાર્થ ભાવે મુલાકાત કરવામાં આવી હતી. 

    ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીના ચેરમેને જણાવ્યું કે, અમે દર વર્ષે ભગવાન જગન્નાથ રથયાત્રાનું હોશભેર સ્વાગત કરીએ છીએ. રથયાત્રામાં અમારી તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શહેરમાં જ્યાં થી પણ રથયાત્રા પસાર થાય છે, ત્યાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવતું હોય છે. આ રથયાત્રા માટે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. 

   શાંતિ સમિતિના સભ્યએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે કોમી એકતા જોવા મળે છે. આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસથી લોકો રથયાત્રાની ઉજવણી કરી રહ્યા છે. એના પહેલા શાંતિ અને સલામતી રહે તે માટે અમે હિન્દુ મુસ્લિમ એક થઈને જગન્નાથ મંદિર આવીને મહંતનું સ્વાગત કર્યું હતું.  

(1:15 PM IST)