<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદની રથયાત્રામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ: મુસ્લિમ વેપારી 25 વર્ષથી ચાંદીનો રથ ભગવાનને કરે છે અર્પણ

148મી રથયાત્રા દરમિયાન 600 ગ્રામમાંથી રથ બનાવ્યો : વેપારીએ કહ્યું -કોમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના જળવાઇ રહે તે માટે થઇને હું દર વર્ષે રથયાત્રા પહેલા ચાંદીનો રથ બનાવરાવું છું

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના વેપારી રઉફ બંગાળી છેલ્લા 25 વર્ષથી ભગવાન જગન્નાથ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કરે છે. 2002 દરમિયાન થયેલ કોમી રમખાણ બાદથી કોમી એકતા જળવાઈ રહે તે માટે થઇને દર વર્ષે જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ વર્ષે એટલે કે 148મી રથયાત્રા દરમિયાન 600 ગ્રામમાંથી રથ બનાવવામાં આવેલ છે.

    ચાંદીનો રથ બનાવનાર વેપારી રઉફ બંગાળીએ જણાવ્યું કે, જ્યારે ગુજરાતમાં 2002માં કોમી રમખાણો થયા હતા. તે સમયથી જ કોમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના જળવાઇ રહે તે માટે થઇને હું દર વર્ષે રથયાત્રા પહેલા ચાંદીનો રથ બનાવરાવું છું અને એ રથને શાંતિ સમિતિના મેમ્બરો સાથે જગન્નાથ મંદિરમાં જઈને મંદિરના મહંતને ભેટ સ્વરુપે આપું છું. 

    વધુમાં કહ્યું કે, આ વર્ષે 26મું વર્ષ છે કે જ્યારે હું ચાંદીનો રથ અર્પણ કરી રહ્યો છું. આ વર્ષે 600 ગ્રામ ચાંદીમાંથી રથ બનાવવામાં આવેલ છે. જ્યારે મેં રથ આપવાની શરૂઆત કરી હતી ત્યારે ઘોડા રથ ખેંચતા હોય એવી પ્રકૃતિ વાળા રથ બનાવતો હતો. પરંતુ જેમ જેમ સમય જતો રહ્યો તેમ તેમ રથ ખેચનારા ઘોડાની સંખ્યામાં વધારો કરતો ગયો અને આ વર્ષે પાંચ ઘોડા રથ ખેંચતા દેખાઈ રહ્યા છે

આ રથ બનાવવા માટે ત્રણથી ચાર કારીગરને 21 દિવસ જેટલો સમય લાગ્યો હતો. રથમાં દોરી તરીકે ચાંદીની ચેઇન મૂકવામાં આવેલ છે. આ રથમાં ઘોડાની સાઈઝ પાંચથી ચાર ઇંચની છે. દર વર્ષે તેની ડિઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવે છે. .

(1:39 PM IST)