News of Friday, 27th June 2025
શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ : સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારોની અંતિમ શાળા ફાળવણી જાહેર : નિમણૂક પત્રોની તારીખ પણ નક્કી
૩ જુલાઈએ સરકારી શાળાના શિક્ષણ સહાયકોને, જ્યારે ૮ જુલાઈએ બિનસરકારી અનુદાનિત શાળાના શિક્ષણ સહાયકોને મળશે નિમણૂક હુકમ : ઉમેદવારોને વેબસાઈટ પર સૂચનાઓ જોવા તાકીદ કરાઈ

ગાંધીનગર, શુક્રવાર, ૨૭ જૂન, ૨૦૨૫ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી આજે જાહેર કરવામાં આવી છે. મેરીટ કમ પ્રેફરન્સના આધારે કરવામાં આવેલી આ ફાળવણી બાદ, હવે નિમણૂક પત્રો વિતરણની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
જાહેર કરાયેલી વિગતો અનુસાર, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સંબંધિત ફાળવણીપત્રમાં જણાવેલ સ્થળે નિમણૂક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. જ્યારે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ નિમણૂક હુકમ અપાશે.
ઉમેદવારો માટે શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરવા અને ફળવાયેલી શાળામાં નિમણૂક હુકમ મેળવવા અંગેની જરૂરી સૂચનાઓ www.gserc.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોને આ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવા જણાવાયું છે.
સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ શાળા ફાળવણી વર્તમાન ભરતી પ્રક્રિયાની અંતિમ ફાળવણી છે. આ પછી શાળા ફાળવણી અંગે ઉમેદવારોની કોઈપણ લેખિત કે મૌખિક રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત તા. ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલોટમેન્ટ (કામચલાઉ ફાળવણી) જાહેર કરવામાં આવ્યું હતું. આ કામચલાઉ ફાળવણીના આધારે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં પસંદગી બાબતે ઉમેદવારો પાસેથી તા. ૨૫ જૂન, ૨૦૨૫ ના રોજ ઓનલાઈન સંમતિ મેળવવામાં આવી હતી. આ સંમતિના આધારે ઉમેદવારોને પસંદગીની ભરતી ફાળવવામાં આવી હતી તેમજ અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક બાદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ આજે તમામ ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે, જે શિક્ષણ સહાયક બનવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
