<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદમા જગન્નાથજી ભગવાનની રથયાત્રામા ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો : રથયાત્રામાં સેનાની કામગીરીને બિરદાવવામાં આવી : સરસપુર ખાતે અમદાવાદ પ્લેનક્રેશમાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લગાવ્યા

રથયાત્રામાં કર્નલ સોફિયા કુરેશીથી પ્રેરિત થઇને દીકરીઓ તેમના પહેરવેશમાં સજ્જ થઇને આવેલી જોવા મળી : નગરયાત્રામાં એક ઉડ્યુ પ્લેન તો દુશ્મનોને રડાવ્યા, એક ઉડ્યુ પ્લેન જેણે સ્વજનોને રડાવ્યા આવા સ્લોગન સાથે આવેલા લોકો જોવા મળ્યા

અમદાવાદ તા.૨૭ : અમદાવાદની રથયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થઈને શહેરમાં 16 કિલોમીટરના રૂટ પર ફરે છે. ઓડિશાના પુરીની રથયાત્રા પછી અમદાવાદથી રથયાત્રાનું મહત્વ અને ભવ્યતા દેશભરમાં બીજા સ્થાને જોવા મળે છે. આ રથયાત્રા ભારતની સૌથી મોટી અને મહત્વની રથયાત્રામાંથી એક છે.

ઓપરેશન સિંદૂરનું ટેબ્લો જોવા મળ્યું

અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા વાજતે ગાજતે નીકળી છે. ગજરાજની આગેવાનીમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રામાં 14 ગજરાજ, 18 ભજનમંડળીઓ, 101 ટ્રક, 30 અખાડા, 3 બેન્ડ વાજા, 2500 જેટલા સાધુસંતો પણ જોડાયા છે. આ દરમિયાન ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરુદ્ધ સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ત્યારે રથયાત્રામાં સેનાની કામગીરીને બિરદાવવામાં આવી છે. તેમજ સરસપુર ખાતે અમદાવાદ પ્લેનક્રેશમાં મૃત્યું પામેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લગાવ્યા હતા.

લોકોએ પોસ્ટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી

રથયાત્રામાં કર્નલ સોફિયા કુરેશીથી પ્રેરિત થઇને દીકરીઓ તેમના પહેરવેશમાં સજ્જ થઇને આવેલી જોવા મળી હતી. તેમનુ ટેટુ પણ ચિતરાવેલું હતું. નગરયાત્રામાં એક ઉડ્યુ પ્લેન તો દુશ્મનોને રડાવ્યા, એક ઉડ્યુ પ્લેન જેણે સ્વજનોને રડાવ્યા આવા સ્લોગન સાથે આવેલા જોવા મળ્યા હતા. ભગવાનને પણ આ વાતનું દુઃખ હોય તેવા ઝાંખી દર્શાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથને આવી કોઇ દુર્ઘટના ન બને અને સૌનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

(4:31 PM IST)