<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા થોડીવારમાં નિજ મંદિર પહોંચશે : ત્રણેય રથ, દિલ્હી ચકલા વિસ્તારમાંથી પસાર થઇ ગયા

'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા

અમદાવાદ : દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં યોજાય છે. અહીં લાખો ભક્તો રથયાત્રામાં જોડાય છે. આજે પણ લાખો ભક્તો સાથે આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જઈ રહી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.

અમદાવાદ ભગવાન જગન્નાથની 148ની રથયાત્ર હવે શાહપુર રંગીલા ચોકીથી રવાના થઇ છે. મુસ્લિમ બિરાદરોએ મહંત અને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્યાસુદ્દીન શેખે મહંતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શાંતિના દૂત સમાન સફેદ કબુતર ઉડાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભગવાન જગન્નાથના રથ હાલ કાલુપુરથી નીજ મંદિર તરફ જઈ રહ્યા છે. સવારે રથયાત્રા એક કલાક મોડી હતી. જોકે હાલ રથયાત્રા સમયસર છે. પોલીસ દ્વારા ટ્રાફીક રસ્તો ક્લીઅર કરીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા શાહપુર તંબુ ચોકી પાસે પહોચી છે. મોસાળથી નીજ મંદિર જવા માટે રથયાત્રા રવાના થઈ રહી છે. ત્યારે આજે રથયાત્રાના ઘણા રૂટ પર વરસાદ પડ્યો હતો. જે સમયે વરસાદ પડ્યો તે સમયે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજના પ્રસ્થાન પછી, વારાફરતી ટ્ર્ક, અખાડા, ભજન મંડળી અને રથ નિજમંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ગજરાજ શહેરના પ્રેમ દરવાજા સુધી પહોંચ્યા. ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત શાસ્ત્રીય સંગીત સાથે અમદાવાદ ગૂંજી ઉંઠ્યું હતું. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબુ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતાં આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.. મળતી માહિતી મુજબ ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબુ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી મચી ન હતી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

(8:05 PM IST)