તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th June 2025
મોબાઈલના કારણે મળ્યું મોત :સુરતના મહુવાના ભોરિયા ગામે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી
મોબાઈલમાં મશગુલ પુત્ર જમવા ન બેસતા પિતા સાથે ઝઘડો થયો:પુત્રએ જમવાનું પણ ફેંકી દેતા પિતાએ ગળું દબાવી પુત્રને જ પતાવી દીધો

સુરતના મહુવાના ભોરિયા ગામે એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી દીધી છે. ચર્ચાઑ મુજબ આ હત્યા મોબાઈલને કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મોબાઈલમાં મશગુલ પુત્ર જમવા ન બેસતા પિતા સાથે ઝઘડો થયો હતો. જે બાદમાં ગુસ્સે ભરાયેલ પિતાએ તેના જ પુત્રની ગળું દબાવીને હત્યા કરી દીધાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
સુરત જિલ્લાના મહુવાના ભોરિયા ગામે પિતાએ પુત્રની હત્યા કર્યાના સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં જમવાના ઝઘડામાં પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો છે.
વધુ વિગતો મુજબ પુત્ર અજય જમવા ન બેસતા મોબાઈલમાં જોયા કરતો હતો. જોકે પિતા પુત્ર વચ્ચેનો આ ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. પુત્રએ ગુસ્સામાં ઘરમાં બનાવેલો ભોજન અને વાસણો ફેંકી દીધા હતા. જે બાદમાં પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી.
આ દરમિયાન ગુસ્સે ભરાયેલ પિતા રાજેશભાઇએ અજયનું ગળું દબાવી દીધું હતું. જે બાદમાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે આરોપી પિતા રાજેશભાઈની ધરપકડ કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
