તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 28th June 2025
મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડો. વિક્રાંત પાંડેના હસ્તે ગરૂડેશ્વર તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાના ૧૨૧ બાળકોનું નામાંકન કરાયું
બાળકોને પાયાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂં પાડી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના યજ્ઞમાં આપણે સૌ સહભાગી બનીએઃ સચિવ ડો. વિક્રાંત પાંડે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડૉ.વિક્રાંત પાંડેએ ઉપસ્થિત રહી ત્રણ શાળાના ૧૨૧ વિદ્યાર્થીઓનું નામાંકન કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. સૌ પ્રથમ વીર ભગતસિંહ પ્રાથમિક શાળા કેવડિયામાં ૨૦ બાળકો, બાદમાં વીર સુખદેવ પ્રાથમિક શાળામાં ૮૦ અને ગંભીરપુરા પ્રાથમિક શાળામાં ૨૧ બાળકોને સ્કુલબેગ, પુસ્તકો, નોટબુક સહિતની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ બાળકોને શુભકામના પાઠવી હતી.
કન્યાકેળવણી મહોત્સવ પ્રસંગે સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ નર્મદા જિલ્લામાંથી શરૂ કરેલી પોતાની કારકિર્દીના દિવસો યાદ કરીને કહ્યું કે, વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ ના સમયગાળાની જિલ્લાની પરિસ્થિતિથી વિપરિત હતી. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો દેશમાં જ નહીં વિશ્વ ફલક પર પ્રવાસન ક્ષેત્રે અંકિત થયો છે. પ્રવાસનના વિકાસથી જિલ્લામાં રોજગારીની અનેક તકો ઊભી થઈ અને સ્થાનિક આદિવાસી નાગરિકો ઘર આંગણે જ રોજગારી મેળવતા થયા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ શિક્ષણ છે અને તેથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે નર્મદા જિલ્લામાંથી જ શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવના આપણને ખૂબ સારા પરિણામો મળ્યાં છે. આ ઉત્સવના કારણે આપણે શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી ૧૦૦ ટકા નામાંકન સુધીનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હવે તેનાથી આગળ વધીને વર્તમાનમાં સમય આવી ગયો છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂં પાડવાનો છે.
વધુમાં સચિવ એ કર્યું કે, ૨૧મી સદી વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. નાના બાળકોને જેવું શિક્ષણ આપીશું તે દિશામાં આગળ વધી તેનું ભવિષ્ય બનાવશે. કુમળા છોડને નાનપણમાં જેમ વાળો તેમ વળે છે એજ રીતે બાળપણમાં બાળકને શિક્ષણ અને સંસ્કાર શાળા કક્ષાએથી જ મળી જાય તે ખૂબજ જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા એટલે કે, ૨૦૦૩માં કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો તે પહેલાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ડર રહેતો હતો. હવે બાળકો શાળાએ હોંશે હોંશે આવી રહ્યા છે. કન્યા કેળવણી મહોત્સવના કારણે દીકરીઓ શિક્ષણમાં અગ્રેસર રહી છે. દીકરીને ભણાવવી ખૂબ જરૂરી છે. તેને ઉચ્ચ શિક્ષણ મળશે તો રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી શકશે.
આ વેળાએ સચિવ ડો. વિક્રાંત પાંડેના હસ્તે શાળાની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા શાળાના બાળકો, વિવિધ સપર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ પૂર્ણ કરી સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ આમદલા ખાતે પ્રાથમિક શાળામાં વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરની ગ્રાન્ટમાંથી તૈયાર કરાયેલા સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ આંગણવાડી અને આયુષ્યમાન ભારત, આરોગ્ય મંદિરની રૂબરૂ મુલાકાત લઈને નીરીક્ષણ કર્યુ હતું
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
