<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

નડિયાદમાં માંતેલા સાંઢની માફક દોડતું ટ્રેકટરે પલ્‍ટી મારીઃ ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા ડ્રાઇવરનું કરૂણ મોત

ડ્રાઇરવરનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબૂ ટ્રેક્ટર ગુલાંટ ખાઈને રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતુ

ખેડાઃ  ખેડા જિલ્લાના નડિયાદ શહેરના મરીંડા રિંગ રોડ પર પુરપાટ પસાર થઈ રહેલા ટ્રેક્ટરને અકસ્માત નડતાં તેના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને મરીંડા રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબૂ ટ્રેક્ટર ગુલાંટ ખાઈને રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતુ. આ સમયે ટ્રેક્ટર હેઠળ ચગદાઈ ગયેલા તેના ચાલકનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં નડિયાદ રુરલ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ સહિત કાફલો તાત્કાલિક અકસ્માતના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં 108ના તબીબે ટ્રેક્ટરના ડ્રાઈવરને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.
હાલ તો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ખાડામાંથી ટ્રેક્ટરને બહાર કાઢ્યું છે. જ્યારે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ, પુરપાટ દોડતા ટ્રેક્ટરના ચાલકે સંતુલન ગુમાવતા તેને અકસ્માત નડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતનો કેસ નોંધીને આગળની દિશામાં તપાસ આદરી છે.

 

(11:18 AM IST)