<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

વડોદરા જિલ્લામાં બારે મેઘ ખાંગાઃ ઢાઢર નદીનો આવ્‍યું ઘોડાપુરઃ નદી બે કાંઠે વહેતી થઇઃ ડભોઈ અને વાઘોડિયાના કાંઠા વિસ્તારના ગામોમાં હાઇએલર્ટઃ પૂરની દહેશત

ડભોઈ તાલુકાના રાજલી, અંગુઠણ, નારીયા, અંબાવ સહિતના ગામોમાં નદીના નવા નીરની આવકઃ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા

વડોદરાઃ  વડોદરા જિલ્લામાં મોસમનો સારો વરસાદ યથાવત રહ્યો છે. જિલ્લામાં ડભોઈ સહિત મોટાભાગના તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વાઘોડીયા અને ડભોઈ તાલુકામાં ભારે વરસાદના કારણે ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં નવા નીર આવતા આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના રહીશોમાં ચિંતા ફેલાઈ છે.
ઉપરવાસમાં સતત વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને ડભોઈ તાલુકાના રાજલી, અંગુઠણ, નારીયા, અંબાવ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો નદીના પાણીની વધુ આવક થાય તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળવાની ભીતિ છે.
ગત વર્ષે પણ ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા ખેતરો તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. એના પગલે સ્થાનિકોએ આ વખતે તંત્ર પાસે આગોતરી પગલાં લેવા આવે તેવી માંગ કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે, જેના કારણે નદી-નાળામાં પાણીની આવક વધી રહી છે. હાલ લોકો તંત્રની સૂચનાઓ અને કામગીરી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.

(12:43 PM IST)