તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
નારણપુરામાં મેંગો મિલ્ક શેકમાં ગરોળી નીકળવાની ફરિયાદ મળતા ન્યુ પટેલ ડેરી ફાર્મ અને આંબાવાડીમાં શ્રીનાથ ફૂડ્સ સબવેને અમદાવાદ મનપાની દ્વારા સીલ કરાયું
આંબાવાડીમાં શ્રીનાથ ફૂડ્સ (સબવે)માં ગ્રાહકની ફરિયાદ અને તપાસ દરમિયાન કિચનમાં જીવતા અને મૃત વંદા મળી હતા

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણીપીણીના ધંધાકીય એકમોમાં 22થી 28 જૂન 2025 દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. નારણપુરામાં મેંગો મિલ્ક શેકમાં ગરોળી નીકળવાની ફરિયાદ મળતા અને તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા એક એકમને સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આંબાવાડીમાં શ્રીનાથ ફૂડ્સ (સબવે)માં ગ્રાહકની ફરિયાદ અને તપાસ દરમિયાન કિચનમાં જીવતા અને મૃત વંદા મળી આવતા અને ગંદકી જોવા મળતા, જાહેર આરોગ્યના હિતમાં આ એકમને સીલ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ખાણીપીણીના ધંધાકીય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 22 જૂન, 2025 થી 28 જૂન, 2025 દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મનપા સંચાલિત સ્કલો અને આંગણવાડીઓમાંથી મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે 52 નમૂના લેવાયા હતા. આઈસ્ક્રીમ અને કુલ્ફીના 3, મીઠાઈ, ઘી અને ખાદ્ય તેલના 5, નમકીન અને બેસનના 3, મસાલાના 2 અને અન્ય 11 નમૂના સહિત કુલ 76 નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.
ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં ખાણીપીણીના ધંધાકીય એકમોની તપાસ દરમિયાન, FSSA-2006 હેઠળ શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 344 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરાઈ હતી, જેમાંથી 125 એકમોને નોટિસ અપાઈ હતી. 121 ટીપીસી ટેસ્ટ કરાયા હતા. 216 કિલોગ્રામ અને 200 લીટર બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો હતો. રૂપિયા 1.05 લાખનો દંડ વસૂલ કરાયો હતો.
23 જૂન, 2025ના રોજ નારણપુરાની ન્યુ પટેલ ડેરી ફાર્મમાં મેંગો મિલ્ક શેકમાં ગરોળી નીકળવાની ફરિયાદ મળતા અને તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા, જાહેર આરોગ્યના હિતમાં આ એકમને સીલ કરવામાં આવ્યું હતું. 28 જૂન, 2025ના રોજ શ્રીનાથ ફૂડ્સ (સબવે), આંબાવાડીમાં ગ્રાહકની ફરિયાદ અને તપાસ દરમિયાન કિચનમાં જીવતા અને મૃત વંદા મળી આવતા અને ગંદકી જોવા મળતા, જાહેર આરોગ્યના હિતમાં આ એકમને સીલ કરવામાં આવ્યું હતું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
