<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવતઃ 45 દિવસમાં 2 પરિવારનો માળો વિંખાયો

દોઢ મહિનામાં 7 જીવ ગયા, 2 પરિવારો વિખેરાઈ ગયા છે. તાજેતરમાં જ ફીચોડ ગામમાં પિતા-પુત્રે કૂવામાં કુદીને આપઘાત કરી લીધો, ત્યારે વ્યાજખોરો સામે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

સાબરકાંઠા: રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે અને તેની ગંભીર અસર સાબરકાંઠામાં જોવા મળી રહી છે. માત્ર છેલ્લા 45 દિવસમાં જિલ્લામાં 7 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધા છે, જેના લીધે બે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. એક દિવસ અગાઉ જ ઇડરના ફીચોડ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતા અને તેમના નાનકડાં દીકરાએ મોતને વ્હાલું કર્યું. 38 વર્ષીય પિતા કનુ નાઈએ પોતાના 5 વર્ષના દીકરા જિયાન નાઈને કૂવામાં ફેંકી દીધો અને પછી પોતે પણ તેમાં મોતની છલાંગ લગાવી દીધી. બંનેના આ ઘટનામાં દર્દનાક મોત થઈ ગયા. બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને મૃત જાહેર કરવામાં આવ્યા.
કનુ નાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. તેમણે લખેલી ચિઠ્ઠીથી સ્પષ્ટ થાય છે કે તેમણે વ્યાજખોરોના ત્રાસને લીધે જીવન ટૂંકાવ્યું છે. તેઓ વ્યાજખોરોની સતત હેરાનગતિ અને ધમકીથી ત્રાસી ગયા હતા. કનુ નાઈએ સુસાઇડ નોટમાં લખ્યા અનુસાર, તેમને વ્યાજે પૈસા લીધા હતા અને રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો તેમને પરેશાન કરી રહ્યા હતા. વ્યાજખોરો તેમના વ્યાજ પર વ્યાજ ચઢાવીને ચક્રવૃદ્ધિ વ્યાજ લઈ રહ્યા હતા. સુસાઇડ નોટમાં તેઓએ જે લોકો તેમને પરેશાન કરી રહ્યા એ બધાના નામ પણ લખ્યા છે.
આ ઘટનાના થોડા સમય પહેલાં વડાલીના સગર પરિવારમાં પણ આવી જ રીતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે જિલ્લામાં વ્યાજખોરોના વધતા ત્રાસ સામે પોલીસની કામગીરી સંદતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. સ્થાનિકો પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે વ્યાજખોરો સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. પોલીસ સહિતના તંત્ર વ્યાજખોરોને પકડવામાં નિષ્ફળ રહ્યા છે અને 'લોકદરબાર' જેવી પ્રક્રિયાઓ માત્ર નાટક પુરતી સીમિત રહી છે.
વ્યાજખોરો 10થી 15 ટકા સુધીના ભારે વ્યાજ સાથે વસૂલાત કરે છે, જેના કારણે નાગરિકો કફોડી હાલતમાં છે. હાલની ઘટનાઓએ ફરી એક વાર તંત્ર સામે સવાલ ઊભા કર્યા છે અને સ્થાનિકોમાં ઉગ્ર માગ ઉઠી છે કે આવા વ્યાજખોરો સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ, જેથી વધુ બરબાદી થતી બચી શકે.

(1:33 PM IST)