<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ભરૂચ-જંબુસર નેશનલ હાઈવે નં. 64 પર મુસાફરી કરવી લોકો માટે જોખમીઃ હાઈવે બિસ્માર બનતા જનાક્રોશ

સમયસર હૉસ્પિટલ ના પહોંચી શકતાં સગર્ભાએ અધવચ્ચે બાળકને જન્મ આપ્યો

ભરૂચઃ ભરૂચ-જંબુસર નેશનલ હાઈવે નં. 64 પર મુસાફરી કરવી લોકો માટે જોખમી બની ગઈ છે. આમોદ મેઈન ચોકડીથી સમાં ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે બિસ્માર થયો છે. રસ્તા પર ઊંડા ખાડા, કાદવ અને કીચડના કારણે વાહનો વારંવાર ફસાઈ જાય છે, જેને કારણે લાંબો ટ્રાફિકજામ થઈ રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે, જેના પરિણામે સ્થાનિકોનો આક્રોશ ભભૂક્યો છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન આ રસ્તાની હાલત વધુ ખરાબ બની ગઈ છે. થોડા મહિના પહેલા કરવામાં આવેલ પેચવર્કની કામગીરી નબળી સાબિત થઈ છે. રસ્તો ફરીથી ખસ્તાહાલ થતાં પ્રવાસીઓ અને દર્દીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે.
ગતરોજ આવી જ એક ઘટનામાં ગર્ભવતી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, પણ રસ્તાની ગંભીર હાલતને કારણે સમયસર હોસ્પિટલ પહોંચી શકાયું નહીં. અંતે મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપવો પડ્યો હતો, જે ઘટના સમગ્ર વિસ્તાર માટે ચિંતા જનક છે.

(2:43 PM IST)