<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

સુરતના સરથાણામાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ: ૧ર આરોપીઓની ધરપકડ

સોનાના ચેઇનના હુકમાં 23 ટકા સોનું નાખી હોલમાર્કનો સિક્કો મારતા હતાઃ આ કામગીરીમાં સુરતના સરથાણામાં ઝોન 1 એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રોકાઇય હતી

સુરતઃ સુરતના સરથાણામાં ઝોન 1 એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ ઓપરેશનમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ બનાવટી સોનાના દાગીના બનાવીને બજારમાં વેચતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી દાગીના બનાવવા માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને બાતમી મળતા ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
યોગી ચોક વિસ્તારમાં શિવ મંદિર જ્વેલર્સ આવેલી છે. મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ ત્યાં સોનાની ચેઇન વેચવા માટે આવ્યા હતા. આરોપીઓ ડુપ્લિકેટ સોનું વેચવા માટે આવ્યા ત્યારે જ જ્વેલર્સના માલિકને શંકા ગઈ હતી કે સોનું ડુપ્લિકેટ છે. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
જ્વેલર્સના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે આરોપીઓ સુધી પહોંચીને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ચાર નકલી સોનાની ચેઈન, ચેઈન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 12 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:06 PM IST)