<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

અમદાવાદ વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ખુલાસો : તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણા દોષિત ઠર્યા!

તપાસ કમિટીના ૫૦૦ પાનાના અહેવાલમાં શંકાસ્પદ ભૂમિકા સ્પષ્ટ : બંને સામે ખાતાકીય તપાસનો કમિશનરનો આદેશ : ૫૮થી વધુ ક્લિનિકલ ટ્રાયલ અને ₹૧૫ કરોડથી વધુની રકમની ગેરરીતિનો પર્દાફાશ : ૮ સસ્પેન્ડ કરાયેલા કોન્ટ્રાક્ટ ડોકટરો પાસેથી પણ રિકવરી કરાશે!

અમદાવાદ : અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કૌભાંડની તપાસ કમિટીએ તેના ૫૦૦ પાનાના અહેવાલમાં વીએસ હોસ્પિટલના તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણાને દોષી ઠેરવ્યા છે. તપાસ અહેવાલમાં તેમની શંકાસ્પદ ભૂમિકા સ્પષ્ટપણે બહાર આવી છે, જેના પગલે મ્યુનિ. કમિશનરે બંને સામે ખાતાકીય તપાસ કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, અગાઉ સસ્પેન્ડ કરાયેલા ૮ કોન્ટ્રાક્ટ પરના ડોકટરો પાસેથી પણ તમામ ગેરકાયદેસર મેળવેલી રકમ રિકવર કરવાની સૂચના આપવામાં આવી છે.
૧૫ કરોડથી વધુની ગેરરીતિનો પર્દાફાશ:
પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણાએ વીએસ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની મંજૂરી વિના ૫૮થી વધુ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું છે કે, આ ક્લિનિકલ ટ્રાયલમાંથી મેળવેલા નાણાં ડો. મનીષ પટેલ, ડો. દેવાંગ રાણા અને ડો. ધેવાત શુક્લ તેમજ તેમના સંબંધીઓના ખાતાંમાં જમા થયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં અંદાજે ₹૧૫ કરોડથી પણ વધારે રકમ આ તબીબોના ખાતાંમાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ખાતાકીય તપાસ અને કાયમી કર્મચારીઓ પર કાર્યવાહી:
ઉલ્લેખનીય છે કે, ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ હતા, જ્યારે અન્ય ૮ ડોકટરો કોન્ટ્રાક્ટ પર હતા અને તેમને અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટ પરના ડોકટરો પાસેથી પણ મ્યુનિ. દ્વારા નાણાકીય રિકવરી કરવામાં આવશે. ટૂંક સમયમાં જ હાલના વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તમામ તબીબોને નોટિસ આપી તેમને મેળવેલી તમામ રકમ વીએસ હોસ્પિટલમાં જમા કરાવવા સૂચના આપવામાં આવશે.
ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણાને આ પ્રકરણમાં ચાર્જશીટ આપવામાં આવશે અને ત્યારબાદ નિવૃત્ત જજની નિમણૂક કરીને ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે તેવી શક્યતા છે. બંને તબીબોને ખાતાકીય તપાસમાં તેમના બચાવની પૂરતી તક આપવામાં આવશે. આ તપાસના આધારે આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવી કે અન્ય કોઈ રીતે શિક્ષાત્મક પગલાં લેવાં તેનો અંતિમ નિર્ણય લેવાશે.
વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ પર પ્રતિબંધ:
ડિરેક્ટર જનરલ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા વીએસ હોસ્પિટલને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરી શકાશે નહીં. DGCI ની ટીમે અગાઉ જ વીએસ હોસ્પિટલની ક્લિનિકલ ટ્રાયલ માટે મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી અને ત્યાર બાદ તાત્કાલિક ધોરણે વીએસ હોસ્પિટલને ક્લિનિકલ ટ્રાયલ નહીં કરવા માટે સૂચના આપી હતી. DGCI દ્વારા તપાસનો સંપૂર્ણ અહેવાલ આવ્યા બાદ તે અંગે પણ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કૌભાંડથી હોસ્પિટલની છબીને મોટો ધક્કો લાગ્યો છે અને તબીબી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

 

(5:03 PM IST)