<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

એક સાંધે તેર તૂટે :પ્રદેશ કોંગ્રેસે સુરત જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીનું નામ જાહેર કરતા કોંગી આગેવાનોમાં વિરોધ શરૂ

કીમ ચારરસ્તા ખાતે મળેલી કોંગ્રેસના નારાજ જૂથ દ્વારા મીટિંગમાં વર્તમાન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીના નામનો વિરોધ :દર્શન નાયક જ ચાલે એવા કોંગી આગેવાનોના સુર

સુરત : પ્રદેશ કોંગ્રેસે સુરત જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીનું નામ જાહેર કરતા કોંગી આગેવાનોમાં વિરોધ શરૂ થયો છે. કીમ ચાર રસ્તા ખાતે કોંગ્રેસ આગેવાની મિટિંગ મળી હતી. જેમાં આનંદ ચૌધરીના નામનો વિરોધ કરાયો હતો. જિલ્લા સંગઠનમાં દર્શન નાયક જ ચાલે એવા કોંગી આગેવાનોના સુર જોવા મળી રહ્યા છે.

ગુજરાતીમાં એક કહેવત છે ઘર કૂટે... ઘર જાય... આજકાલ કોંગ્રેસમાં એવું જ જોવા મળે છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે અને દિલ્હીમાં બેઠેલા કોંગી મહાશય કોંગ્રેસને મજબુત કરવાની વાતો કરે છે, પણ હાલમાં ગુજરાત કોંગ્રેસની હાલત દયનિય છે. થોડી ઘણી સાખ હતી એ પણ વિસાવદરની ચૂંટણીમાં ઉતરી ગઈ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે પોતાને જવાબદાર ગણી પક્ષને રાજીનામું ધરી દીધું છે. ખરેખર તો શકિતસિંહ ગોહિલ જેવા મજબૂત નેતાઓની પક્ષને જરુર છે. પણ પક્ષ એવા લોકોના નામની જાહેરાત કરે છે જેના કારણે કોંગ્રેસ પક્ષમાં જ નારાજગી જોવા મળે છે. પરંતુ હવે સુરત જિલ્લા સંગઠન પ્રમુખના નામ જાહેર થતાં પક્ષમાંથી વિરોધનો સુર જોવા મળ્યો છે.

માંગરોલના કીમ ચાર રસ્તા ખાતે ભાગ્યોદય હોટલ ખાતે પ્રદેશ કોંગ્રેસની સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનું નામ આનંદ ચૌધરીનું નામ જાહેર કર્યું હતું. પરંતુ હવે આનંદ ચૌધરીનું નામ જાહેર થતા જ હવે વિરોધનો સુર કોંગ્રેસમાંથી ઉઠ્યો છે. સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાના કોંગી આગેવાનો, કાર્યકરો કીમ ચાર રસ્તા ખાતે ભાગ્યોદય હોટલ ખાતે મિટિંગ મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખના નામ આનંદ ચૌધરીનું જાહેર થતા કાર્યકરો આગેવાનોએ નારાજગી દર્શવી હતી. આનંદ ચૌધરી વર્તમાનમાં રેસનો ઘોડો નથી પણ લગ્નનો ઘોડો છે. એવું કોંગી આગેવાનોએ કહ્યું હતું.

કીમ ચારરસ્તા ખાતે મળેલી કોંગ્રેસના નારાજ જૂથ દ્વારા વર્તમાન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દર્શન નાયક પક્ષને વફાદાર અને રેસનો ઘોડો હોવાનું પક્ષના કાર્યકરોએ કહ્યું હતું અને પ્રદેશ મોવડી નામને લઇ ફરી વિચારે એવી વાતો કરી હતી.

 


 

(6:22 PM IST)