<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ઝરવાણીના દેડકા ફળિયાની ખાડી ઉપરથી જીવના જોખમે અવર જવર માટે ગ્રામજનો મજબુર બન્યા

ગ્રામજનોએ ભેગા મળીને ખાડી ઉપર વીજ થાંભલા મુકી કામચલાવ અવર જવર માટે વ્યવસ્થા ઉભી કરી તે કેટલી સલામત ગણાય

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસ્પીરેશનલ નર્મદા જીલ્લામા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામો કરવા માટે ફાળવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને મૂળભુત સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે, ચોમાસાની સિઝનમાં તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આદિવાસીઓ ને આવવા જવા માટે જીવના જોખમે અવર જવર કરવી પડતી હોય છે.

   ગરૂડેશ્વર તાલુકાના.ઝરવાણી ગામે વસવાટ કરતાં આદિવાસીઓ ચોમાસાની સિઝનમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી ઉપરથી અવર જવર કરતા જોવા મળી રહ્યા છે, ખાડીમા અચાનક પાણીનો પ્રવાહ વધે તો પાણીના પ્રવાહમા વહીને જીવ પણ ગુમાવવો પડે તેવા ભય હેઠળ લોકો ખાડી ઓળંગી અવર જવર કરતા હોય છે. ત્યારે ઝરવાણી ગામ ના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી ચોમાસાની સિઝન માં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય અને આ ખાડી ઉપરથી આવવા જવા માટે ગામના લોકો એ ભેગા મળીને વીજ થાંભલા ગોઠવી અવર જવર માટે કામચલાઉ વ્યવસ્થા ઉભી કરી હતી, ખાડી ઉપરના ધોધ પાસે બંને સાઇડ કવર કરીને વીજ થાંભલાઓ ગોઠવ્યા હતા જેના પરથી હવે ગ્રામજનો અવર જવર કરી રહ્યા છે. પરંતુ તે ખૂબ જોખમી હોવા છતાં બીજો કોઈ વિકલ્પના હોવાથી ગ્રામજનો જીવના જોખમે પણ અવર જવર કરી રહ્યા છે.

(11:22 PM IST)