<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

દાહોદ જિલ્લામાં વરસાદ : ઝાલોદનો કાલી -2 ડેમ છલકાઈ ગયો : નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વરસાદ ખાબકતાં નદીઓમાં પાણીની આવક શરૂ

દાહોદ જિલ્લામાં ચોમાસાની સારી શરૂઆતથી છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વરસાદ ખાબકતાં નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે તેમજ ડેમો ભરાવાની પ્રક્રિયાને વેગ મળ્યો છે. જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કામે વ્યસ્ત રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશાસ્પદ નિવડ્યો છે. સાથે વરસાદના કારણે ઝાલોદ તાલુકાનો કાલી-2 ડેમ પણ છલકાઈ ગયો છે.

વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો કાલી-2 ડેમ છલકાઈ ગયો છે. ડેમની કુલ ક્ષમતા 257 મીટર છે. તેની સામે હાલમાં 257.05 મીટર પાણી ભરાઈ ચૂક્યું છે. જેથી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવાનું શરુ કરી દીધું છે.

જિલ્લાના નવ તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 7.20 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદ તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો દેવગઢ બારિયામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત મંગળવારે માત્ર પાંચ કલાકમાં દાહોદ શહેરમાં સાત ઇંચ વરસાદ વરસતાં આખું શહેર જળબંબાકાર બન્યું હતું.

અત્યાર સુધીમાં જિલ્લાના ફતેપુરા તાલુકામાં 240 મીમી, ઝાલોદમાં 138 મીમી, લીમખેડામાં 195 મીમી, દાહોદમાં 317 મીમી, ગરબાડામાં 189 મીમી, દેવગઢ બારિયામાં 141 મીમી, ધાનપુરમાં 185 મીમી, સંજેલીમાં 152 મીમી અને સીંગવડમાં 195 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લામાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. તંત્રએ નદીઓના નજીકના વિસ્તારોમાં રહેલા લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

(12:18 AM IST)