<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

દાહોદનો અદલવાડા ડેમ છલકાવાની તૈયારીમાં : ધાનપુર-બારિયાના 9 ગામને સાવચેત કરાયા

તંત્રએ તમામ ખેડૂતો અને ગ્રામજનોએ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કર્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ અદલવાડા ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ રહી છે. ઉપરવાસમાં મોસમની મેઘમહેર બાદ અદલવાડા ડેમમાં હાલ 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ નોંધાયો છે.

ડેમની કુલ સપાટી 237.3 મીટર છે, જ્યારે હાલ પાણીની સપાટી 235.75 મીટરે પહોંચી છે. સતત પ્રવાહમાં આવેલા 514 ક્યુસેક પાણીની આવકના કારણે ડેમ પૂરાઈ રહ્યો છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના નીચાણવાળા ધાનપુર તાલુકાના 3 ગામો અને દેવગઢ બારિયા તાલુકાના 6 ગામોને એલર્ટ પર રાખ્યા છે.

હવે જો આગામી દિવસોમાં વધુ વરસાદ થાય તો ડેમમાંથી પાણી છોડવાની શક્યતા છે, જેના કારણે આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી છે. હાલના તબક્કે 70% પાણીના સંગ્રહ બાદ તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ગ્રામજનોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન હજુ વધુ વરસાદની આગાહી આપી છે, જેના કારણે તંત્રએ તમામ ખેડૂતો અને ગ્રામજનોએ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે.

(12:18 AM IST)