<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ભરૂચ મનરેગા કૌભાંડના માસ્ટરમાઈન્ડ કોંગ્રેસ નેતાને પોલીસ રિમાન્ડ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો

પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે તેમને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા

ભરૂચના રૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગ્રેસના નેતા હીરા જોટવાને આજે મેડિકલ તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હીરા જોટવા હૃદયરોગના દર્દી હોવાને કારણે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે તેમને
વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સુવિધાઓ અને ઈસીજી મશીન ઉપલબ્ધ ન હોવાને કારણે મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગ્રેસના નેતા હીરા જોટવાને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવા માં આવ્યા હતા. દરમિયાન વડોદરાના કોંગ્રેસના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને હોસ્પિટલ પરિસરમાં ચહલપહલ જોવા મળી હતી.

ભરૂચના મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હીરા જોટવા સાથે તેમના પુત્ર દિગ્વિજય જોટવા, સરકારી કર્મચારી, જલારામ એન્ટરપ્રાઈઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સભાડ તથા વચેટિયા શરમન સોલંકીની ધરપકડ થયા બાદ પોલીસે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી ચાર આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે.

(11:44 PM IST)