<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

અમદાવાદમાં ધોળેદિવસે સારંગપુર સર્કલ દરગાહ પાસે જાહેર રસ્તેથી બાઈક છીનવી અજાણ્યા શખ્શો ભાગી ગયા

અજાણ્યા આરોપી વિરુદ્ધ લૂંટ અને મારામારીના ગુના દાખલ કરી તપાસ શરૂ

અમદાવાદ શહેરમાં ધોળે દિવસે જાહેર રસ્તા પર લૂંટફાટની ઘટનાઓને લઈને ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. સાભરમતી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવાન રૂષભકુમાર મહેશભાઈ ચૌહાણે જાહેર રોડ પરથી પસાર થતી વખતે અજાણ્યા ઇસમે તેમની માલિકીની મોટરસાયકલ છીનવી લઈ જઈને ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ચકચાર મચી છે.

 

ફરીયાદ અનુસાર, રૂષભકુમાર ચૌહાણ (ઉ.વ. ૨૩), રહે. મોટેરા, ગાંધી વસ, સાભરમતી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને ગાયત્રી ટ્રેડીંગ કંપનીમાં નોકરી કરે છે. તેઓ પાસે ૨૦૨૪ મોડલની બ્લ્યૂ કલર હોન્ડા એસપી ૧૨૫ ડ્રમ મોટરસાયકલ (નંબર GJ-01-XW-6376) છે, જે ફાયનાન્સ લોન પર ચાલી રહી છે અને તેનું ઈન્સ્યોરન્સ પણ ચાલુ છે.

 

20 જૂન 2025ના બપોરે સાડા ત્રણેક વાગ્યે રૂષભકુમાર સારંગપુર સર્કલ દરગાહ પાસે જાહેર રસ્તેથી પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો ઇસમ ચાલતા ચાલતા મોટરસાયકલની સામે આવી જતા મોટરસાયકલ તેની સાથે થોડી અડી ગઈ. આ પ્રસંગે અજાણ્યો ઇસમ ગુસ્સે થઈ ગાળો બોલવા લાગ્યો. જ્યારે ફરીયાદકર્તાએ તેને ગાળો બોલવા અટકાવ્યું, ત્યારે તે વ્યક્તિ વધુ ઉશ્કેરાઈ ગયો અને રૂષભકુમારને ગડદાપાટુનો માર માર્યો.

 

હાથાપાઈ બાદ આરોપીએ યુવકને દમકાવી તેની પાસેની મોટરસાયકલ જબરદસ્તી છીનવી લીધી અને સ્થળ પરથી ભાગી છૂટ્યો. વધુમાં યુવકે ઘર જઈ મોટરસાયકલના તમામ દસ્તાવેજો અને આર.સી.બુક એકત્ર કરી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટરસાયકલની અંદાજિત કિંમત રૂ. ૭૫,૦૦૦/- જેટલી જણાઈ રહી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા અજાણ્યા આરોપી વિરુદ્ધ લૂંટ અને મારામારીના ગુના દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

(11:55 PM IST)