<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો' :સુરતમાં પ્રિ મોન્સૂન કામગીરી અને ખાડીમાં પૂરની સમસ્યા સામે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : અટકાયત

સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઇરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા

સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપૂરને લઈને આજે યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરવામાં આવી હતી. 'ભાજપ વાળા ડૂબી મરો', 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો' નો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. આજરોજ યોજાઈ રહેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઇરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા.

 

વિરોધ પ્રદર્શન સમયે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક કાર્યકર પોલીસ વાન પર ચડીને વિરોધ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. ચોક બજાર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

 

કોંગ્રેસ નેતાના જણાવ્યા પ્રમાણે, શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી પૂરની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે ભાજપના શાસકોના પાપે સર્જાઈ છે. પાર્ટીના શાસકો અને કોર્પોરેટરોને અમે કહેવા માંગીએ છીએ કે તમે આ માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો. કારણ કે શહેરમાં વારંવાર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. 

(1:11 PM IST)