<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સ્‍વનિર્ભર સ્‍કૂલોને સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સના દરજ્‍જાની તૈયારી

ડ્રાફ્‌ટ તૈયાર કરીને સંબંધિત સંસ્‍થાઓ પાસેથી ૧૧મી જુલાઇ સુધીમાં અભિપ્રાયો મગાવાયા

 

 

અમદાવાદ તા.૩: સ્‍વનિર્ભર સ્‍કૂલોને પણ સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્‍વનિર્ભર સ્‍કૂલો પૈકી જે સ્‍કૂલો આ પ્રકારનો દરજ્જો મેળવવા ઇચ્‍છતી હોય તેમની પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા ડ્રાફ્‌ટ તૈયાર કરીને લોકમત માટે અભિપ્રાયો મંગાવવામાં આવ્‍યા છે. આગામી ૧૧મી જુલાઇ સુધીમાં સંબંધિત તમામને અભિપ્રાય આપવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્‍યમાં કેટલીક યુનિવર્સિટીઓને સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. હવે આજ પધ્‍ધતિ પ્રમાણે રાજ્‍યની સ્‍વનિર્ભર સ્‍કૂલો પૈકી કેટલીક સ્‍કૂલોને પણ આ પ્રકારનો દરજ્જો આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. મહત્‍વની વાત એ કે, આ પ્રકારનો દરજ્જો ધરાવતી સ્‍કૂલને ફી કમિટીમાંથી મુક્‍તિ આપવામાં આવશે. એટલે કે આ દરજ્જો મેળવ્‍યા બાદ સ્‍કૂલો પોતાની રીતે ફી નક્કી કરી શકશે. આ માટે કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવ્‍યા છે જેમાં શાળામાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી ધો.૧૦ અને ૧૨નું બોર્ડનું પરિણામ ૯૯ ટકાથી ૧૦૦ ટકા જેટલુ હોવું જરૂરી છે. આ જ રીતે ધો.૧૦ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્‍થિત રહેનારા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્‍યા ૬૦ જેટલી હોય અને ધો.૧૨માં ઉપસ્‍થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૬૦ હોય તે જરૂરી છે.  શાળામાં અભ્‍યાસ કરતાં ધો.૧૦ના વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ ૮૦ ટકા હોવું જરૂરી છે. આજ રીતે ધો.૧૨ના વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ ૭૫ ટકા હોય તે જરૂરી છે. મહત્‍વની વાત એ કે, ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઇ બોર્ડ કે અન્‍ય બોર્ડની સ્‍કૂલોમાં એકસરખા માપદંડો લાગુ કરવામાં આવશે તેવી સ્‍પષ્ટતાં પણ કરવામાં આવી છે. સ્‍કૂલ ઓફ એક્‍સેલેન્‍સનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હોવાથી આગામી દિવસોમાં સ્‍કૂલો આ પ્રકારનો દરજ્જો મેળવવા -યાસ કરશે. જેના કારણે સ્‍કૂલોના પરિણામમા સુધારો થશે. સરેરાશ પરિણામ સુધારવા માટે શાળાઓ વ્‍યક્‍તિગત વિદ્યાર્થીઓના પરિણામ પર ધ્‍યાન આપશે.

 સ્‍કૂલો દ્વારા કરવામાં આવેલી અરજીઓ બાદ કમિટી દ્વારા ધો.૧૦ અને ૧૨ના પરિણામો અને પાંચ વર્ષની વિકાસ યોજનાઓ સાથે સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સ જાહેર કરવા માટે અરજીમાં રજૂ કરાયેલા ફી માળખાની પણ તપાસ કરશે. (૩૮.૬)

(9:50 AM IST)