News of Thursday, 3rd July 2025
પાદરાના સોખડા ખુર્દ ગામમાં મહાકાય મગર મુખ્ય માર્ગ પર લટાર મારવા નીકળતા લોકોમાં દહેશતનો માહોલ
બે દિવસ પહેલા જ આ ગામમાં મગરના નાનકડા બચ્ચા મળી આવ્યા હતા: નજીકના વિસ્તારમાં આવેલા પાણીના સ્ત્રોતમાંથી આ મગર પણ બહાર આવ્યો હોવાની શક્યતા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામમાં મહાકાય મગર મુખ્ય માર્ગ પર લટાર મારવા નીકળતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે.બે દિવસ પહેલા જ આ ગામમાં મગરના નાનકડા બચ્ચા મળી આવ્યા હતા. અને ગતરાતે મહાકાય મગર રોડ પર લટાર મારતા દેખાઈ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. જે રસ્તા પરથી રોજ શહેરીજનો અને વાહનચાલકો પસાર થાય છે, ત્યાં આ મગર આડો ઉતરતો દેખાઈ આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે મહાકાય મગર જાહેર રસ્તા પર જોવા મળી રહ્યો છે અને લોકોને વાહનો ઉભા કરીને મગરને રસ્તો આપતા પણ જોવા મળે છે. ચોમાસાની શરુઆત સાથે જ તળાવો અને નાળાઓમાંથી જળચર પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. સોખડા ખુર્દ ગામ નજીકના વિસ્તારમાં આવેલા પાણીના સ્ત્રોતમાંથી આ મગર પણ બહાર આવ્યો હોવાની શક્યતા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાવાની ઘટના વધી છે, જેના કારણે લોકોને પોતાના બાળકો અને પશુઓ માટે પણ ચિંતા સતાવી રહી છે. હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને સતત ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે. હવે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માગણી ઉઠી રહી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
