<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સાબરકાંઠામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર : ખેડબ્રહ્મામાં 5 ઇંચ ખાબક્યો :ઈડરના કડિયાદરામાં ઘરમાં ઘુટણસમાં પાણી ઘુસ્યા

ઉપરવાસમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા: ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વાસણા કંપા વિસ્તારમાં આવેલા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીમાં મોટાપાયે નુકસાન થયું છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સાબરકાંઠામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ઈડરના કડિયાદરામાં નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થિતિ વણસી હતી. દર વર્ષે એકની એક સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રજૂઆતો છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની નજીક જ નાનું અને નીચું ગરનાળુ બનાવવાને લીધે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. દર ચોમાસે ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીમાં મુકાવાનો વારો આવે છે. પરંતુ, પાણી ભરાવાની આ સમસ્યા ઉકેલવા માટે તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી હલી રહ્યું.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઈડર તાલુકાની ભૂતિયા નદીમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. કડીયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીમાં પાણી આવ્યું છે.

(2:16 PM IST)