<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ભાનુબેનના સક્રિય પ્રયાસ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરની સમર્પણ મૂકબધિર શાળા સહિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકોને પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે તેમણે દિવ્યાંગ બાળકોને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા અને સમાજની મુખ્ય ધારામાં લાવવા પર ભાર મૂક્યો.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શારીરિક ક્ષતિવાળા વ્યક્તિઓને "દિવ્યાંગ" જેવું ગૌરવપ્રદ નામ આપીને તેમના સ્વાભિમાનનું જતન કર્યું છે. તેમણે શિક્ષકોને દિવ્યાંગ બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવવા અને તેમને વિશિષ્ટ રીતે શિક્ષણ આપવા અનુરોધ કર્યો, કારણ કે શિક્ષણથી કોઈ પણ બાળક વંચિત ન રહે તે સમાજની સહિયારી જવાબદારી છે.

મંત્રીશ્રીએ દિવ્યાંગજનો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, એસ.ટી. બસમાં મફત મુસાફરી, સંત સુરદાસ યોજના (જે હેઠળ ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને માસિક પેન્શન), આર્થિક સહાય, સાધન સહાય, લગ્ન સહાય, વીમા યોજના, અને ટુ-વ્હીલર/ટ્રાઇસિકલ આપવાની યોજનાઓની જાણકારી આપી.

આજે ગાંધીનગરની ૦૫ શાળાઓના ૩૪ દિવ્યાંગ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું, બાળકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો, અને વૃક્ષારોપણ પણ કર્યું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, નાયબ મેયર શ્રી નટુજી ઠાકોર, ગુજરાત રાજ્ય બાળ સરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, શાસક પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા સામાજિક ન્યાય અને અધિકારીતા અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(2:22 PM IST)