<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ખાડીપૂરને રોકવા માટે સુરત મનપા એક્શન મોડમાં: હાઇ પાવર કમિટીની રચના કરાઈ

કમિટીના આદેશથી અઠવા, લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

સુરત શહેરમાં દર વર્ષે આવતા ખાડીપૂરને રોકવા માટે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, આઇ.એ.એસ.ની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી, આઈ.એ.એસ. અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, આઈ.પી.એસ. સહઅધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. કમિટીના આદેશથી અઠવા, લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જર્જરિત પુલો દૂર કરવા અને ખાડીઓને પહોળી કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેથી ચોમાસામાં પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે.

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં મીઠી ખાડી પરના જર્જરિત બ્રિજને તોડી પાડવાની કામગીરી 13 જુલાઈ 2025ના રોજ સવારે 9:30 કલાકે શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં 35 મીટર લંબાઈ અને 07 મીટર પહોળાઈના બ્રિજને તોડવા માટે મશીનરી અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નંબર-61 (પરવત-ગોડાદરા) અને ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નંબર-69 (ગોડાદરા-ડીંડોલી) ની હદ પર ભેદવાડ ખાડી પરનો 10 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનો બ્રિજ પણ દૂર કરવામાં આવ્યો હતો.

સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં કાંકરા ખાડી પર સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં ભીમરાડ બમરોલી ખાતે ખાડીને પહોળી કરવાનું કામ હાથ ધરાયું હતું. આ ઉપરાંત, ભીમરાડથી સચિન મગદલ્લા બ્રિજ પાસે ખાડીને રી-એલાઈન કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ઉધના ઝોનમાં ભેદવાડ ખાડીની અંદરના દબાણો દૂર કરવા માટે બમરોલી ગામ પાસેના પાઇપ કલ્વર્ટને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ભીમરાડ બમરોલીને જોડતા રોડ પર ખાડીની પહોળાઈ વધારવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીમાં વિવિધ મશીનરી અને અધિકારી/કર્મચારીઓ જોડાયેલા છે.

(9:12 PM IST)