<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

નિર્દોષ દિકરીઓને આત્મહત્યા કરવા મજબૂર કરનાર લુખ્ખા તત્વો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી કે કોઈ ડર નથી: ગોપાલ ઈટાલીયા

સુરતમાં પાટીદારની દીકરીની આત્મહત્યા પાછળ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યા સૌથી મહત્વના કારણો

 

સુરત :ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, છાશવારે અસામાજિક તત્વો નિર્દોષ દિકરીઓનો ભોગ લે છે. સુરતની ગ્રીષ્મા વેકરીયા ઘટનામાં, જેતલસરની સૃષ્ટિ રૈયાણીની ઘટનામાં, મોડેલ અંજલિ વરમોરાની ઘટનામાં, ચાંદખેડાની યુવતી ચૌદમા માળેથી આત્મહત્યા કરી એ ઘટનામાં અને આવી અનેક ઘટનામાં નિર્દોષ દિકરીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર લુખ્ખા તત્વો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી કે કોઈ ડર નથી.

નિર્દોષ દીકરીઓની આત્મહત્યા પાછળના સૌથી મોટા ત્રણ કારણો

  • 1) હલકી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોને સ્થાનિક પોલીસનો છૂપો સપોર્ટ હોય છે એટલે તેઓ બેફિકર બનીને ફરતા હોય છે. આવા તત્વોની વિરુદ્ધમાં ભૂલથી પણ કોઈ ફરિયાદ લખાવવા જાય તો પોલીસ ફરિયાદીને દબાવવાનું કે ધમકાવીને સમાધાન કરાવવાનું પ્રેશર કરે છે એ સૌથી મોટું કારણ છે.
  • 2) જ્યારે દીકરીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોય છે ત્યારે ડરના માર્યા કે બદનામીના ડરથી દીકરીનો પરિવાર કોઈને વાત કરતો નથી અને ચૂપચાપ સહન કરે છે. કોઈ કિસ્સામાં દીકરીનો પરિવાર સમાજમાં કોઈને જાણ કરે તો પણ સમાજમાંથી માથાભારે વ્યક્તિ વિરુદ્ધ સપોર્ટ નથી મળતો એ પણ મોટું કારણ છે.
  • 3) દરેક અસામાજીક તત્વોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય આકાઓનું સંરક્ષણ મળેલું હોય છે. મને ફલાણી પાર્ટીના ફલાણા નેતા સાથે સારો સંબંધ છે એટલે મારું કોઈ કાંઈ બગાડી નહીં લે એવી તાનાશાહી માનસિકતા પણ એક કારણ છે.

પોલીસે તાત્કાલિક ધોરણે આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. કોઈ પણ સમાજની દીકરી નોકરી કરવા જતી હોય અને આવા તત્વો હેરાન કરતા હોય, તો દીકરીના પરિવારને મદદરૂપ થવું જ જોઈએ. અમારી તેમજ દીકરીના પરિવારની એકજ માંગણી છે કે, આ દીકરીને હેરાન કરતાં યુવકની તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ.

 

કતારગામના નાની વેડ સ્થિત વિધિ પેલેસમાં રહેતી નેના વાવડિયા (19) ખાનગી ટ્યુશન ક્લાસિસમાં નોકરી કરતી હતી. જેણે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતક નેનાના પિતા રણજીત વાવડીયાએ જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી એક છોકરો નેનાની પાછળ પડ્યો હતો. જે ઘર સુધી ટુ-વ્હીલર લઈને નેનાનો પીછો કરતો હતો. મને ખબર પડતા મેં તે છોકરાના પિતાને ફોન કરીને ફરિયાદ કરતાં તેમણે પોતાના પુત્રને સમજાવવાની ખાતરી આપી હતી. જો કે છેલ્લા 2 દિવસથી મારી દીકરી ગુમસુમ રહેતી હતી અને આખરે તેણે અંતિમ પગલું ભરી લીધુ હતુ.

 

(12:12 PM IST)