તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 16th July 2025
સુરત મહાનગરપાલિકાનું AI આધારિત સ્માર્ટ માર્ગ વ્યવસ્થાપન મોડેલ દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ : 4,300 કેમેરા દ્વારા રસ્તાના ખાડા, પાણી ભરાવ અને ટ્રાફિક પર 24x7 “રિયલ ટાઈમ” નજર
ICCC સેન્ટર દ્વારા ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ : ખાડા શોધવા અને ટ્રાફિક જામની તાત્કાલિક જાણ કરવા માટે AI આધારિત સિસ્ટમ કાર્યાન્વિત : IT ડાયરેક્ટર જીગર પટેલે ભવિષ્યના માર્ગ આયોજન માટે ડેટાના મહત્વ પર ભાર મૂક્યો

અહેવાલ, માહિતી બ્યુરો - મેહુલ વાંઝવાલા, સુરત, તા. 16 : સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર અત્યાધુનિક ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ નવીનતમ સિસ્ટમ દ્વારા હવે શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે. આ ત્વરિત કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, અને આ AI આધારિત સ્માર્ટ માર્ગ વ્યવસ્થાપન મોડેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યું છે.
સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી આ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે આ મહત્વની મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી છે, જેમાં મહાનગરપાલિકામાં ખાડા રિપેરીંગ માટે AI ટેકનોલોજી અત્યંત ઉપયોગી નીવડી છે.
આ અંગે માહિતી આપતાં મહાનગરપાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ICCC) ના IT ડાયરેક્ટર જીગર પટેલ જણાવ્યું હતું કે, “સુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ICCC શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારોમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 3,500 CCTV કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા 800 કેમેરા લગાવવામાં આવ્યા છે. આમ કુલ 4,300 કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ CCTV ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી શહેર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ઝડપ બંને હાંસલ થઈ રહી છે. AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને પોતે ઓળખી તંત્ર સુધી પહોંચાડે છે. આ અભિગમ નાગરિક સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ છે. અંતે તેમણે ઉમેર્યું કે, “સુરત શહેરમાં આવા સ્માર્ટ ઇનોવેટિવ સોલ્યુશનનો અમલ સતત પ્રગતિ પામે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ. AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે.”
૨૪x૭ નિગરાની રાખતું ICCC સેન્ટર: રસ્તાના ખાડા શોધવા માટે ૧૦ લોકોની ખાસ ટીમ કાર્યરત
સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) માં ૨૪x૭ કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં ૮૦થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. હાલની વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ખાડા ઓળખવા માટે ૧૦ લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે CCTV ફૂટેજ અને AI ટેક્નોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે.
રોડ પરની સમસ્યાઓ શોધે છે AI સિસ્ટમ
શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ AI સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે. ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સૂચના આપે છે. જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. આ AI આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે. જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી ‘સુરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’ (ICCC) સુધી ડેટા મોકલે છે. ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે.
ટેકનોલોજીથી માર્ગ વ્યવસ્થાપનને નવી દિશા
સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે. ટેક્નોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
