News of Saturday, 19th July 2025
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર : ૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર : NDRF અને SDRFની ટુકડીઓ તૈનાત : આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ!
ઉત્તર ગુજરાત પર મેઘરાજાનું હેત, બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ : ૧૪,૪૯૦ પ્રભાવિત ગામોમાં વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરાયો : ભારે વરસાદ છતાં GSRTCની એક પણ બસ સેવા રદ નહીં : માછીમારોને ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના

રાજકોટ, તા. ૧૯ જુલાઈ, ૨૦૨૫: રાજ્યમાં એક લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ રાઉન્ડમાં મેઘરાજાએ ખાસ કરીને ઉત્તર ગુજરાત પર મહેર વરસાવી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
છ જિલ્લામાં રેડ એલર્ટ અને આપાતકાલીન સજ્જતા:
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના છ જિલ્લા - દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે 'નાઉકાસ્ટ' એટલે કે તાત્કાલિક અસરથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે, આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ૧૨ ટુકડીઓ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે NDRFની ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે.
ચાલુ ચોમાસા દરમિયાન, આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૪,૨૭૮ નાગરિકોનું સ્થળાંતર અને ૬૮૯ નાગરિકોનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
વીજળી અને પરિવહન સેવાઓ અવિરત:
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ૧૪,૪૯૦ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જોકે, ઊર્જા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને આ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.
પરિવહન સેવાઓની વાત કરીએ તો, ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની એક પણ એસ.ટી. બસનો રૂટ કે ટ્રિપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ ૧૪,૫૯૮ એસ.ટી. રૂટ પરની ૪૦,૨૬૪ ટ્રિપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રિપ બંધ ન કરીને, GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે, જે તેમની પ્રશંસનીય સેવા દર્શાવે છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
