News of Monday, 21st July 2025
રિક્ષાચાલકનો ફાયનાન્સ કંપનીના માણસોના ત્રાસથી સામુહિક આપઘાત
પતિ-પત્નિએ તેમના ૩ સંતાનો સાથે મોત મીઠુ કરી લેતા અરેરાટીઃ લોન ઉપર રિક્ષા લીધા બાદ હપ્તા ભરવામાં મોડું થતા ફાયનાન્સ કંપનીના માણસો ઘરે આવતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૧: અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં એક જ પરિવારના પતિ-પત્નીએ તેમના ત્રણેય બાળકો સાથે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, ૧૧ વર્ષની દીકરી સિમરન, ૮ વર્ષનો દીકરો મયુર અને ૫ વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ બોરકોઠાનો વતની હતો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મળતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બગોદરા પોલીસ દ્વારા તપાસ કરતાં જણાવવામાં મળ્યું છે કે જે રીક્ષા વિપુલભાઈ ચલાવતા હતા તે રીક્ષા ફાઇનાન્સ કંપનીની લોનથી લીધી હતી અને તેના હપ્તા ચડી જવાના કારણે અવારનવાર ફાઇનાન્સ કંપનીના માણસો માનસિક ત્રાસ આપતા હોવાનું અને પોતે હપ્તા ન ભરી શકતા હોવાનું જાણવા મળ્યું છે અને જેના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે તેવું બગોદરા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
