<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

માતરના ખોડિયાપુરા પાસે કેનાલમાં ગાબડું પડ્યું : ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ભારે આક્રોશ

ખેડૂતોના ડાંગર અને અન્ય પાકમાં મોટું નુક્સાન: અનેક એકર જમીનમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામગ્ન અને રોષે ભરાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ખોડિયારપરા ગામે એક કેનાલમાં ભંગાણ સર્જાયું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના લીધે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર કેનાલમાં ગાબડા પડવાની સમસ્યા સર્જાતી રહે છે અને તેના કારણે તેઓને નુકસાન સહન કરવાનો વારો આવે છે.

ખેડા જિલ્લાના માતરના ખોડિયારાપુરા પાસે કેનાલમાં પડેલા મોટાં ગાબડાંના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. આ ઘટનાથી ખેડૂતોના ડાંગર અને અન્ય પાકમાં મોટું નુક્સાન થયું છે. અનેક એકર જમીનમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામગ્ન અને રોષે ભરાયા છે

સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં જ કેનાલોના રીપેરીંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો. છતાં હજુ પણ કેનાલોમાં નબળી કામગીરી અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. ખેડૂતો જણાવે છે કે ‘અમે વારંવાર ફરિયાદ કરતાં રહીયાં પણ કોઈ સાંભળતું નથી. હવે હાલત એવી છે કે પાણીના પ્રવાહે અમારા આખા ખેતરો નષ્ટ કરી નાખ્યા છે.

ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા ના હોવાના ખેડૂતો આક્ષેપ કરે રહ્યા છે. જો વિભાગે સમયસર કેનાલની યોગ્ય રીતે મરામત કરી હોત તો આજે આવું નુકસાન ન થાત.

આ ઘટનાથી ખેડૂતોના હાલ તો દિવસો તણાવમાં પસાર થઈ રહ્યા છે. હવે માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક નુક્સાની ભરપાઈ કરવામાં આવે અને જવાબદાર સામે કડક પગલાં લેવાય. તંત્ર દ્વારા પગલાં ભરાય તે પહેલાં ખેડૂતોની જીવલેણ મહેનત પાણીમાં વહી ન જાય, એ ખૂબ જરૂરી બની ગયું છે.

(12:52 PM IST)