તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ડીસા તાલુકા ઢુવા ગામમાં દારુ પીનાર-વેચનારની ખેર નહીં
મુંડન કરી ગધેડા પર નીકાળાશે જુલૂસઃદારૃના દુષણને નાથવા માટે બંધારણ બનાવ્યું અને દારૃને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે

બનાસકાંઠા,તા.૨૧
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૃની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે. આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૃનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને ગધેડા પર જુલૂસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.
ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ. આશરે સાત હજારની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૃની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબા પોકારી ગયા છે. યુવાનો તો ઠીક પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૃનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા હોવાનો ગામજનો દાવો કરી રહ્યા છે. ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૃના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે. ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૃની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર ડીસા તાલુકા પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા તાલુકા પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈ આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં સભાનું આયોજન કર્યું અને દારૃના દુષણને નાથવા માટે બંધારણ બનાવ્યું અને દારૃને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.દારૃના લીધે ઢુવા ગામનું યુવા ધન બરબાદ થઈ ગયું છે. ત્યારે બરબાદ થતા આ યુવા ધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતા પરિણામ શૂન્ય છે. ત્યારે હવે દારૃની આ બદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈપણ વ્યક્તિ દારૃનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં દારૃનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગધેડા પર બેસાડી ગામમાં તેનું જુલુસ નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
