તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Friday, 25th July 2025
પતિએ બીજા લગ્ન કર્યા છે એ સાબિત કરવા ધાર્મિક વિધિ પૂરવાર કરવી પડે
પત્નીએ કરેલી ફરિયાદના કેસમાં પતિ સહિત પાંચનો નિર્દોષ છુટકારો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર રાખીને સુરતની કોર્ટે આપેલો ચુકાદો

સુરત,તા.૨૫: પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા છે તેવા આક્ષેપો સાથે થયેલી ફરિયાદમાં કોર્ટે પતિ સહિતના આરોપીઓને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, જ્યારે હિન્દુ લગ્ન થાય અને તેને પુરવાર કરવાના હોય ત્યારે સપ્તપદીની વિધિ એટલે કે સાત ફેરાની વિધિ પુરવાર કરવી જરૂરી છે. હાલના કેસમાં આક્ષેપીત બાબત મુજબ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થયા નથી.
આ કેસની વિગત મુજબ વેડરોડ ઉપર રહેતી બીનાના લગ્ન રાંદેર રોડ ઉપર રહેતા પ્રકાશ (બંને નામો બદલ્યા છે) ની સાથે ૨૦૧૧ના હિન્દી વિધિ મુજબ થયા હતા. લગ્નના બે જ વર્ષમાં પ્રકાશના અન્યસ્ત્રી સાથેના સંબંધો બહાર આવ્યા હતા. પ્રકાશે બીનાની જાણ બહાર જ બીજા લગ્ન કરી લીધા હતા અને બીજી પત્ની મારફતે તેને એક પુત્રનો પણ જન્મ થયો હતો. આ બાબતે બીના પિયરમાં જતી રહી હતી અને પતિ પ્રકાશની સામે વકીલમારફતે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સની સાથે સાથે ભરણપોષણની પણ માંગ કરી હતી. આ ઉપરાંત પ્રકાશના બીજા લગ્નને લઈને બીનાએ પ્રકાશ, તેની બીજી પત્ની, સાસુ-સસરા સહિત પાંચ વ્યક્તિઓની સામે મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ-૪૯૪, ૪૯૫, ૪૯૬, ૧૧૪ મુજબની ફરિયાદ પણ કરાવી હતી. આ કેસ કોર્ટમાં એક પત્ની હોવા છતાં બીજી પત્ની રાખીને આરોપીએ ગુનો કર્યો
હોવાની ફરિયાદ પક્ષે દલીલો કરી હતી. તેના આધારે બાળકનો જન્મ થયો હોવાનો પુરાવો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ દલીલોની સામે પ્રકાશ તરફે હાજર વકીલશ્રી ઝમીર શેખ દ્વારા દલીલો કરાઈ હતી કે, એક મહિલા અનેપુરુષના શારીરિક સંબંધોને કારણે એક તબક્કે માની પણ લઈએ કે બાળક તેઓનું છે તો તેમાં લગ્ન કર્યાનું પુરવાર થતું નથી. આ ઉપરાંત એક જ દિવસે અનેક નામના બાળકોનો જન્મ થાય છે તે બાબત પણ પુરવાર થઈ નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ડોલીરાની વિરુદ્ધ મનીષકુમાર ચંચલના ચુકાદાને ધ્યાને રાખીએ તો હિન્દુ લગ્ન વિધિ પુરવાર થવા માટે સપ્તપદીની વિધિ પુરવાર થવી જરૂરી છે. પ્રકાશ અને તેની બીજી મહિલાએ સપ્તપદીની વિધિથી લગ્ન કર્યા હોય તેવો કોઇ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ થયો નથી જેથી તેઓએ બીજા લગ્ન કર્યા છે તે કહી શકાય નહીં. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બીનાબેનની ફરિયાદ રદ કરીને પ્રકાશ સહિત અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો હતો.
બીનાને મહિને સાડા સાત હજારનું ભરણપોષણ
પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતા બીનાએ પોતાના વકીલ મારફતે પતિ પ્રકાશની સામે ઘરેલુ હિંસા અન્વયે કોર્ટમાં કેસ કર્યો હતો અને વચગાળાનું ભરણપોષણ પણ માંગ્યું હતું. આ અરજી કોર્ટે મંજૂર રાખી હતી અને મહિને સાડા સાત હજાર ચૂકવવા માટે પતિ પ્રકાશને આદેશ કરાયો હતો
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
