<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

શ્રાવણ માસના આગમનને વધાવતા મેઘરાજાઃ મેહુલિયાના નિશાને વલસાડ જિલ્લોઃ કપરાડા ૭ ઇંચ, વાપી ૪ ઇંચઃ મધુવન ડેમના ૪ દરવાજા ખોલાયા

ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૬.૨૯૦ફૂટેઃ ગુજરાતના ચેરાપુંજી સમાન કપરાડામાં આ વર્ષે સીઝનનો કુલ ૭૫ ઇંચ વરસાદ નોંધાયો

(જીતેન્દ્ર રૃપારેલિયા)વાપીઃ પવિત્ર શ્રાવણ માસ ના આગમન ને જાણે મેઘરાજા વધાવતા હોય તેમ સરવડાને બદલે અભિષેક કરી રહ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં ઝરમર થી ૭ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ મહેર વલસાડ જિલ્લામાં વરસાવી હોય તેમ કપરાડા માં ૭ ઇંચ અને વાપીમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો, વાપીમાં તો ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની સપાટી સતત વધી રહી છે, દમણગંગાના મધુબન બંધની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭૧.૬૦ મીટરે પહોંચી છે, ડેમના ૪ દરવાજા ૧.૩૦ મીટર ખુલ્લા છે, ડેમમાં ૨૦૮૧૦ ક્યુસેક પાણી ના ઈન્ફ્લો સામે ૧૯૩૭૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધી ને ૩૨૬.૨૯ ફૂટે પહોચી છે, ડેમમાં ૧૩૯૪૫ ક્યુસેક પાણી ઈન્ફ્લો થઈ રહ્યું છે.

આ સીઝનમાં મેઘરાજા મન મૂકીને વરસતા રાજ્ય માં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૫૫.૭૪ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ૬૦.૩૯% વરસાદ નોંધાયો છે હવે જો એમાં વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ સીઝનના કુલ વરસાદને જોઈએ તો ધરમપુર ૫૬.૭૨ ઇંચ, કપરાડા ૭૪.૪૮ ઇંચ, પારડી ૪૯.૩૬ ઇંચ, ઉમરગામ ૪૮.૬૮ ઇંચ, વલસાડ ૪૦.૩૬ ઇંચ અને વાપીમાં ૫૮.૬૦ ઇંચ સીઝન કુલ વરસાદ આજે સવાર સુધીમાં નોંધાયેલ છે.

ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો કપરાડા ૧૭૨ મીમી,વાપર૧૦૬ મીમી, ખેરગામ ૫૭ મીમી, માંગરોળ ૫૨ મીમી, માંડવી ૫૦ મીમી, ધરમપુર ૪૭ મીમી, પારડી ૪૫ મીમી, વલસાડ ૩૭ મીમી, ડાંગ ંઆહવા ૩૩ મીમી, સુબીર ૩૦ મીમી, વાંસદા ૨૮ મીમી, વરસાદ નોંધાયો છે.જ્યારે ઝઘડિયા ૨૦ મીમી, વઘઇ ૧૮ મીમી, ઉમરગામ ૧૭ મીમી, અને સોનગઢ ૧૫ મીમી વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત રાજ્યના ૫૪ તાલુકાઓમાં ઝરમર ૧ થી લઈ ૧૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે

(1:10 PM IST)