News of Saturday, 26th July 2025
રાજકોટમાં બનેલું હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવે.: ગોપાલ ઇટાલિયાની માંગણી
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કેશુબાપાએ ગુજરાતના ખેડૂતો અને જનતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, પરંતુ ભાજપ દ્વારા તેમને ભુલાઈ રહ્યા હોય તેવું વર્તન કરાઈ રહ્યું છે.

અમદાવાદ : આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેની આક્રમક રજૂઆતો સાથે ફોર્મમાં દેખાઈ રહી છે, ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર મેદાને આવ્યા છે. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે, ઇટાલિયાએ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક મોટી માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજકોટમાં નવું બનેલું હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવે. ગોપાલ ઇટાલિયાએ લાગણી વ્યક્ત કરતા કહ્યું કે કેશુબાપાએ ગુજરાતના ખેડૂતો અને જનતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, પરંતુ BJP દ્વારા તેમને ભુલાઈ રહ્યા હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે ગુજરાતના ગામડાઓમાંથી ગુંડાઓ અને બદમાશોને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું, ગામડાઓ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડ્યું, અને ગુજરાતના ગામડાઓને ગોકુળીયું ગામ બનાવવામાં યોગદાન આપ્યું હતું. તેમણે કહ્યું કે ખેતી, ખેડૂત અને ગામડું સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે તેમણે પોતાનું આખું જીવન હોમ્યું છે. ઇટાલિયાને દુઃખ છે કે આવા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાઈ નથી, જ્યારે સામાન્ય વોર્ડના પ્રમુખો કે એકાદ ટર્મ ધારાસભ્ય રહેલા લોકોના નામે પણ રોડ, લાયબ્રેરી કે દવાખાના બને છે.
વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, કેશુબાપા પટેલે ગુજરાતના ખેડૂત, ખેતી અને ગામડાઓ માટે જે યોગદાન આપ્યું છે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી. એક સાધારણ પરિવારમાં જન્મીને, ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને, તેઓ ગુજરાતમાં પહેલી વખત BJPની સરકાર પૂર્ણ બહુમતીથી લાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ચેતવણી આપી કે જે સમાજ પોતાના ભૂતકાળ અને મહાપુરુષોને ભૂલી જાય છે તેનું ભવિષ્ય ધૂંધળું થઈ જાય છે, અને તેથી જ કેશુબાપાના યોગદાનની વિનમ્ર નોંધ લેવા માટે એરપોર્ટનું નામકરણ કરવું અત્યંત આવશ્યક છે.
ગોપાલ ઇટાલિયાએ પોતાની વાતને પુનરાવર્તિત કરતા કહ્યું કે, 24મી જુલાઈ, 2025ના રોજ કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે, રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું નામ આપીને તેમના યોગદાનની સરકાર અને સમાજ દ્વારા નોંધ લેવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે જય કિસાન અને કેશુભાઈ પટેલ ઝિંદાબાદના નારા સાથે પોતાની વાત પૂરી કરી, જે દર્શાવે છે કે આ મુદ્દાને તેઓ ખેડૂત હિત સાથે પણ જોડી રહ્યા છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
